- નડિયાદમાં સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત નાના વેચાણધારકોને છત્રી વિતરણ કરાઈ
- વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજ દેસાઇના હસ્તે વિતરણ કરાયુ
- નાના વેપારીઓને યોજનાનો લાભ લેવા દંડક પંકજ દેસાઇની અપીલ
ખેડાઃ ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત ફળ, ફૂલ, શાકભાજીના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. તેના અનુસંધાને બુધવારે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજ દેસાઇના હસ્તે શહેરના સંતરામ મંદિર પાસે આવેલી નાની શાકમાર્કેટ ખાતે છત્રી/શેડ કવરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
![ખેડા જિલ્લામાં નાના વેચાણકારોને છત્રી/શેડ કવરનું વિતરણ કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-khd-01-vitaran-photo-story-gj10050_16122020162916_1612f_1608116356_497.jpeg)
નાના વેપારીઓને યોજનાનો લાભ લેવા અપીલ
તેઓએ જણાવ્યું હતું કે, નાના વેચાણકારોને છત્રી વિતરણ કરવામાં આવી રહ્યુ છે. તેઓએ સૌ નાના વેપારીઓને જાહેર અપીલ કરતા જણાવ્યું હતું કે, તમામ લાભાર્થીઓએ નિયત સમય મર્યાદામાં નિયમોનુસાર વહેલી તકે અરજી કરી યોજનાનો લાભ લેવો જોઇએ. આ યોજનાના લાભાર્થીઓને હવે ત્રણેય ઋતુઓમાં છત્રી/શેડ કવરનો લાભ મળવાથી તેઓને મોટી રાહત થશે તેમ જણાવ્યું હતું.
![ખેડા જિલ્લામાં નાના વેચાણકારોને છત્રી/શેડ કવરનું વિતરણ કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-khd-01-vitaran-photo-story-gj10050_16122020162916_1612f_1608116356_374.jpeg)
સરકાર નાના નાના વેપારીઓ અને ફેરીયાઓની સમસ્યાઓનું સમાધાન કરવા તત્પર- દંડક પંકજ દેસાઇ
દંડક પંકજ દેસાઇએ જણાવ્યું હતું કે, સરકારે ફળ અને શાકભાજીનું રોડ સાઇડ અને લારી દ્વારા વેચાણ કરતાં નાનાં વેચાણકારોની ચિંતા કરીને વર્ષ 2020-21માં ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મૂલ્યે/શેડ કવર પૂરા પાડવાની યોજના “નવી બાબત” તરીકે અમલમાં મૂકી લોક કલ્યાણનો એક નવો અભિગમ શરૂ કર્યો છે. આ યોજના માટે સમગ્ર રાજ્યમાં વર્ષ 2020-21 માટે રૂ.1000 લાખની જોગવાઇ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ રાજ્યના ફળ-શાકભાજી-ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને લાભ આપવામાં આવશે. રેશનકાર્ડ ધારક કુટુંબ દીઠ એક વ્યક્તિને લાભ મળવાપાત્ર થશે. દર બે વર્ષે એકવાર લાભ મળશે.
I ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી મળશે યોજનાનો લાભ
ખેતીવાડી અધિકારી સોનારાએ જણાવ્યું હતું કે, આ યોજનાનો લાભ લેવા અરજદારે આઇ ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે માટે રેશન કાર્ડૅ અને આધાર કાર્ડ આધાર પુરાવા તરીકે રહેશે.
ખેડા જિલ્લામાં 1800 નંગ છત્રીનો ભૌતિક લક્ષ્યાંક
આ યોજના હેઠળ ખેડા જિલ્લાને 1800 નંગ છત્રીનો ભૌતિક લક્ષ્યાંક ફાળવેલો છે. જે અન્વયે આજ સુધી 1819 અરજદારોએ ઓનલાઇન અરજી કરી છે. જે પૈકી 1104 અરજદારોએ આધાર પુરાવા સાથે કચેરીમાં અરજી કરેલી છે. જે પૈકી 1022 પાત્રતા ધરાવતી અરજીઓને પૂર્વ મંજૂરી આપવામાં આવેલી છે. આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી શાખાના અધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.