- નડિયાદમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશુભાઈ પટેલની શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી
- પુષ્પાંજલિ અર્પી અને બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું
- નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ બાપાને યાદ કરતા કર્યું સંબોધન
ખેડાઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન, ભારતીય જનતા પક્ષ ક્ષયને જાહેર જનતામાં કેશુબાપાના હુલામણા નામે જાણીતા તેમ જ દિવંગત લોકનેતા સ્વ.કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પવા આજે ખેડા જિલ્લા ભાજપ નડિયાદ કમલમ કાર્યાલયમાં શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી. જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ સ્વ.કેશુભાઈને પુષ્પાંજલિ અર્પી હતી અને દિવંગત નેતાના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ કર્યું સંબોધન
ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સ્વ.કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે, કેશુબાપાએ જનસંઘ અને ભાજપ પક્ષની વિચારધારાને બીજમાંથી વટવૃક્ષ બનાવ્યું છે. મુખ્યપ્રધાન તરીકે તેમના કાર્યકાળ દરમિયાન ગોકુળ ગ્રામ જેવી તેમની યોજનાના પરિણામો છે. ભારતીય જનતા પક્ષમાં વર્ષ 1997માં પોતાનો પક્ષ પ્રવેશ મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ગામે થયો હતો. ત્યારે તેમના આશીર્વાદ અને ઉપસ્થિતિને લઈને આજે ખેડા આણંદ જિલ્લામાં ભારતીય જનતા પક્ષની વિચારધારાને લઈ જવામાં મને વિશેષ બળ મળ્યું હોવાનું મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું.