- નડિયાદની ડાહીલક્ષ્મી લાયબ્રેરીનો જન્મદિવસ
- ડાહીલક્ષ્મી પુસ્તકાલય એટલે જાણે સાક્ષરોનું સ્મૃતિમંદિર
- મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ પત્નીની યાદમાં પુસ્તકાલયની સ્થાપના કરી
ખેડા : આ મકાનનું નિર્માણ ૨25-04-1898એ શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ કર્યું હતું. તેઓ આ સાક્ષરભૂમિના એક પ્રકાંડ પંડિત, વિચક્ષણ રાજપુરુષ અને ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા સાક્ષરરત્નોના માર્ગદર્શક વડીલ હતા. તેમણે પત્ની ડાહીલક્ષ્મીની યાદમાં તેમને આ પુસ્તકાલયની સ્થાપના કરી હતી. 25મી એપ્રિલ, 1898(વૈશાખ સુદ ચોથ, સંવત 1954)ના રોજ ડાહીલક્ષ્મી પુસ્તકાલય સ્થપાયું હતું. ત્યારે તેની પાછળ રૂપિયા 30,000નો ખર્ચ થયો હતો.

આ પણ વાંચો : તંત્ર દ્વારા ધામણના ઐતિહાસિક પુસ્તકાલયનું સમારકામ ન કરાયું
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી પુસ્તકાલયના પ્રથમ પ્રમુખ હતા
પુસ્તકાલયના પ્રથમ પ્રમુખ ‘સરસ્વતીચંદ્ર’ના કર્તા તેમજ ગુજરાતીના મહાન સાક્ષર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી હતા. સંસ્થાના પાલન-પોષણ માટે મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ પુસ્તકાલયનો વ્યાપ વધતાં એક ટ્રસ્ટ-ડીડ કર્યું હતું. તેમણે પુસ્તકાલયના નિર્વાહ માટે રૂપિયા 25,000ની અને પોતાના લખેલા પુસ્તકોના પુનમુદ્રણ માટે બીજા રૂપિયા 10,000ની પ્રોમિસરી નોટો આપી હતી. 13મી ઓગસ્ટ, 1905માં મળેલી સંસ્થાના સંચાલક મંડળની મિટિંગમાં સંસ્થા માટેના નિયમો(ટ્રસ્ટડીડ) ઘડી કાઢવામાં આવ્યા હતા. જે ખુદ ગોર્વધનરામે બનાવ્યા હતા.


આ પણ વાંચો : ભુજના વિજયરાજજી પુસ્તકાલયમાં સર્જક સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન
ડાહીલક્ષ્મી પુસ્તકાલયને ‘રજિસ્ટર્ડ લાયબ્રેરી’નો દરજ્જો મળ્યો
અંગ્રેજી રાજય દરમિયાન ડાહીલક્ષ્મી પુસ્તકાલયને ‘રજિસ્ટર્ડ લાયબ્રેરી’નો દરજ્જો મળ્યો હતો. 1948માં ભારત સરકારની યોજના મુજબ તેને ‘જિલ્લા પુસ્તકશાળા’ તરીકેની માન્યતા મળી. નડિયાદની સાક્ષરનગરી તરીકેની છાપને દ્રઢ કરવામાં ડાહીલક્ષ્મી પુસ્તકાલયનો ફાળો નોંધપાત્ર રહ્યો છે.
