- મહેમદાવાદ પોલિસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ સહિત ત્રણ સામે ગુનો નોધાયો
- મુદ્દામાલ છોડવા અભિપ્રાય આપવા માંગી હતી રૂપિયા 10,000ની લાંચ
- વચેટિયો ઝડપાયો, બંને કોન્સ્ટેબલ ભાગી ગયા
ખેડાઃ જિલ્લાના મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં સટ્ટા-જુગારનો કેસ દાખલ થયો હતો. જેમાં અગાઉ 1,50,000 લઇ જામીન મુકત કરવામાં આવ્યા હતા. જે જામીન પર છોડ્યા બાદ પણ મુદ્દામાલ છોડાવા માટે કોર્ટમાં અભિપ્રાય આપવા માટે લાંચ પેટે રૂપિયા 10,000 ની વચેટીયા મારફતે માંગણી કરવામાં આવી હતી.
લાંચની માગણી અંગે જાણ કરતા અમદાવાદ ગ્રામ્ય એસીબી દ્વારા છટકું ગોઠવાયું
જે બાબતે અમદાવાદ ગ્રામ્ય એસીબીને જાણ કરવામાં આવી હતી. જેને લઈ એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં વચેટીયાને સાથે રાખી ફરિયાદી લાંચના નાણાં આપવા ગયેલ અને ગોઠવેલા લાંચના છટકા દરમિયાન લાંચના નાણા અંગે હેતુલક્ષી વાતચીત કરી, બંને આરોપી કોન્સ્ટેબલ ભાગી ગયા હતા. જ્યારે ત્રીજા આરોપી (વચેટીયા)ને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. એસીબી દ્વારા લાંચ મામલામાં મહેમદાવાદ પોલિસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નારાયણ ભરવાડ તેમજ કોન્સ્ટેબલ આલા રબારી અને વચેટિયા કીર્તન અરવિંદલાલ સુથાર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.