ખેડા: જીલ્લામાં માતર તાલુકાના શેખુપુર ખાતે પ્રાથમિક શાળામાં વર્ગખંડમાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક છતના સ્લેબના પોપડા તૂટી પડ્યા હતા. જેને લઈ નીચે બેઠેલા વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી. આ બાબતે ગામમાં જાણ થતા ગ્રામજનો શાળાએ દોડી આવ્યા હતા. ગ્રામજનો દ્વારા બાળકોને સારવાર માટે લિંબાસી ખાતે હોસ્પિટલ ખસેડાયા હતા.
ઘટનાને પગલે ગ્રામજનોએ તંત્ર વિરૂદ્ધ રોષ વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે નવા વર્ગખંડો બનાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ નવા વર્ગ માટે મંજૂરી આપવામાં આવી નથી. શિક્ષકો દ્વારા પણ આ બાબતે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. એટલે સરકારની બેદરકારી છે તેમ ગ્રામજનોએ જણાવ્યુ હતું. તંત્રની બેદરકારીને કારણે બાળકો મોતના ઓથાર નીચે ભણવા માટે મજબૂર છે.
વર્ગખંડ બંધ કરી રિપેરિંગની સૂચના અપાઈ છે: જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
આ બાબતે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે.એ.પટેલે જણાવ્યુ હતું કે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડાયા હતા. તેમને શાળામાં રજા આપવામાં આવી છે.જે વર્ગખંડમાં પોપડા પડ્યા છે હાલ તે વર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ તેના રિપેરિંગ માટેની સૂચના આપવામાં આવી છે.