ખેડાઃ જિલ્લાના કલેક્ટર આઈ.કે.પટેલની અધ્યક્ષતામાં રૂડસેટ ઈન્સ્ટિટ્યૂટની જિલ્લા લેવલની એડવાઇઝરી કમિટિની રીવ્યૂ બેઠક જોયવામાં આવી હતી. આ બેઠકમાં યુવાનોને તાલીમ આપવાની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
કોરોના કાળમાં યુવાનોને તાલીમ આપવાની ચર્ચા-વિચારણા
બેઠકમાં કોરોના અંતર્ગત કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ તમામ નિયમો સાથે કઈ રીતે શિક્ષિત બેરોજગારોને ભારત સરકારની વિવિધ યોજનાઓની તાલીમ આપી શકાય અને આ તાલીમ બાદ તમામ તાલીમાર્થીઓ આત્મનિર્ભર બને તે માટે વિચાર- વિમર્શ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આગામી દિવસોમાં આ તાલીમ કેન્દ્ર પર કેવા પ્રકારના બીજા વિષયો લઇ શકાય તેમજ ભવિષ્યમાં જિલ્લા જેલના કેદીઓને પણ આ પ્રકારની તાલીમ આપી શકાય, તે અંગે ચર્ચા વિચારણા, સૂચનો ઉપરાંત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ સરકારી બેન્કો આ તાલીમાર્થીઓને કઈ રીતે લોનની સહાયથી મદદરૂપ થઈ, તે તાલીમાર્થીઓ આત્મનિર્ભર બની શકે તે માટે શું કરવું જરૂરી છે, તે અંગેની તમામ ચર્ચા-વિચારણા આ બેઠકમાં કરવામાં આવી હતી.
તાલીમાર્થી આત્મનિર્ભર બનોઃ કલેક્ટર
કલેક્ટરે તાલીમાર્થી બહેનોને તાલીમ પૂર્ણ કરી આત્મનિર્ભર બનવા જણાવાયું હતું. આ ઉપરાંત કલેકટર આઈ.કે.પટેલ તથા ઉપસ્થિત વિવિધ બેન્કોના અધિકારીઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખેડા જિલ્લાના નિયામક તન્વી પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓએ હાલમાં ચાલતા સીવણ વર્ગની મુલાકાત લઇ, કલેક્ટર આઈ.કે.પટેલે બહેનોને તાલીમ પૂર્ણ કરી આત્મનિર્ભર બની પોતાનો વ્યવસાય કરવા જણાવ્યું હતું.
વર્ષ દરમિયાન 777 લોકોને મળી તાલીમ
આ બેઠકમાં કેનેરા બેન્કના રીજીયોનલ મેનેજર આઈ.બી.શર્મા, બેન્ક ઓફ બરોડાના એલઆરડી આશિષ દવે, નાબાર્ડના ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ મેનેજર અમિત ભટ્ટ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના તન્વી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રૂડસેટના ડાયરેક્ટર અરવિંદ મોથલીયાએ રૂડસેટ સંસ્થાની પ્રગતિ, ગતિવિધિ તેમજ આગામી આયોજન અંગેની સમજ આપી હતી. વર્ષ દરમિયાન ભારત સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત 777 લાભાર્થીઓએ વિવિધ વિષયોમાં તાલીમ લીધી હતી.