ખેડાઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરના દ્વાર આવતીકાલે બુધવારની સવારથી ભાવિકો માટે ખુલ્લા મૂકાશે. આ નિર્ણય ટેમ્પલ કમિટિ દ્વારા લેવામાં આવ્યો છે. જેના પગલે ભાવિકો રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન કરી શકશે.
રણછોડના દર્શન કરવા માટે ભાવિકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જે બાદ ઈ-ટોકન મેળવી આધારકાર્ડ બતાવ્યા બાદ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. જ્યારે સુરત જિલ્લાના નાગરિકોને હાલ દર્શન માટે પરમિશન આપવામાં નહીં આવે. હાલ જ્યારે ડાકોર સહિત ખેડા જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો છે, ત્યારે ફરી એક વખત ડાકોર મંદિર ખોલવાનો મોટો નિર્ણય ડાકોર ટેમ્પલ કમિટિ દ્વારા લેવામાં આવ્યો છે.
આ નિર્ણયને લઇ ભાવિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરમાં દર્શન માટે આવતા દર્શનાર્થીઓએ સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. જે મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ ફરજિયાત રહેશે. ત્યારબાદ થર્મલ સ્ક્રિનિંગ કરી ભક્તોને રણછોડજીના દર્શન માટે પ્રવેશ અપાશે.
મહત્વનું છે કે, કોરોનાના વધતા સંક્રમણને પગલે ગત તારીખ 20 જુલાઇથી રણછોડરાયજી મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા હતા. જે આવતીકાલે બુધવારની સવારથી ખુલશે. જેને લઈ ભાવિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
મંદિરમાં દર્શનનો સમય નીચે મુજબ રહેશે...
સવારના સમયે
- 07:10 થી 08:30 સુધી
- 09:05 થી 10:30 સુધી
- 11:15 થી 12:00 સુધી
બપોરના સમયે
- 04:20 થી 05:00 સુધી
- 05:30 થી 06:00 સુધી