ખેડાઃ યાત્રાધામ ડાકોર મંદિરમાં રણછોડરાયજી મહારાજને ધરાવવામાં આવતા સાંજના તેમજ સવારના વસ્ત્રમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સાંજના વસ્ત્રનો લાગો 1100 રૂપિયા હતો. જે વધીને 2500 કરવામાં આવ્યો છે. આ વધારો આજથી અમલમાં કરવામાં આવ્યો છે. જ્યારે સવારના વસ્ત્રનો લાગો પાંચ હજાર કરવામાં આવ્યો છે. જેનો અમલ આગામી 1લી એપ્રિલ,2021થી થશે.
પવિત્ર યાત્રાધામ ડાકોર રણછોડ રાયજી મંદિરમાં ભગવાનના વસ્ત્ર પરિધાનના લાગામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. સાંજના શયન આરતી પછીની સેવા માટેના વસ્ત્ર માટે વસ્ત્રનો લાગો આજથી રૂપિયા 2500 કરવામાં આવ્યો છે. જે અગાઉ રૂપિયા 1100 હતો. આ ઉપરાંત સવારે મંગળા આરતી પછીની સેવા માટેના વસ્ત્ર લાગો જે અગાઉ રૂપિયા 2500/- હતો તે વધારીને રૂપિયા 5,000/- નક્કી કરવામાં આવ્યો છે. તેનો અમલ આગામી 1લી એપ્રિલ, 2021થી કરવામાં આવશે. જે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી વસ્ત્રની તારીખ નોંધાવી શકાશે અને વસ્ત્રની નોંધણી માટેની પ્રક્રિયા ઓફિસ તરફથી સુચના વેબસાઇટ પર મુકવામાં આવશે.
ડાકોર મંદિરમાં વિવિધ મનોરથનો લાગો એટલે એક પ્રકારે ભગવાનને અર્પણ થતી ભેટ છે. ડાકોર મંદિરમાં પુષ્ટિ મર્યાદા પ્રમાણે મંદિરનો સેવા પ્રકાર સ્વીકાર્ય થયા બાદ પ્રત્યેક મનોરથ પ્રભુને અર્પણ કરાતું હોય છે. 250 વર્ષથી સમયાંતરે મોંઘવારી વધતા મંદિરના પ્રત્યેક મનોરથમાં પ્રભુને અર્પણ થતા ન્યોછાવરમાં સુધારા થતા આવ્યા છે. આ એક નિરંતર પારંપરિક મંદિર વ્યવસ્થાનો ભાગ છે. પ્રભુ રણછોડરાયજીના ભક્તો શ્રદ્ઘાળુઓ આ પરંપરાથી જાણકાર છે. વળી પ્રત્યેક ભક્તને તેમણે કરેલા મનોરથ અને અર્પણ ન્યોછાવરને અનુરૂપ સમાધાન પેટે મંદિર તરફથી ભેટ અને પ્રસાદી પણ આપવામાં આવે છે.