ખેડા: ખેડા જિલ્લા વિકાસ અધિકારી ડી.એચ.ગઢવીના માર્ગદર્શનમાં ખેડા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વ્યવસ્થિત કામગીરી થઇ રહી છે. તેમણે આ અંગે ઇટીવી ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ખેડા જિલ્લાનો વર્ષ 2019-20 નો લક્ષ્યાંક 2464 મકાનનો હતો. જેમાંથી જિલ્લામાં 1284 મકાન પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના મકાનો હાલ તૈયાર થઈ રહ્યા છે.
જે મકાનો પૂર્ણ થયા છે તે લાભાર્થીઓને ફાળવી દેવામાં આવ્યા છે. તેમજ તેની ચૂકવણી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વર્ષ 2020-21 માટેનો જિલ્લાનો લક્ષ્યાંક 1400 મકાનોનો છે. જેમાંથી જે કુટુંબો પાસે પ્લોટ નથી તેવા કુટુંબોને લેન્ડ કચેરીમાં પ્લોટ આપવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જ્યાં ગામતળમાં પ્લોટ ઉપલબ્ધ થશે ત્યાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.
2020-21 ના 1400 મકાનોના લક્ષ્યાંક માટે 243 લાભાર્થીઓના મકાનના કામ શરૂ કરી દેવામાં આવ્યા છે. તેમજ પ્રથમ હપ્તાની ચુકવણી કરી દેવામાં આવી છે. જે કામ જેમ-જેમ આગળ વધશે તેમ તેમ બાકીના પેમેન્ટની પણ ચૂકવણી કરવામાં આવશે. જો કે સમગ્ર જીલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી સારી રીતે ચાલી રહી છે ત્યારે જે મકાનોની કામગીરી અધૂરી છે તે વહેલી તકે પૂર્ણ થાય તેમ પણ ગરીબ લાભાર્થીઓ ઈચ્છી રહ્યા છે.