ખેડા: સિરપકાંડ મામલામાં વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. આ મામલે પોલીસ તપાસ દરમ્યાન એક પછી એક એમ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે પોલીસે મુંબઈથી વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસ દરમ્યાન તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જે તમામ હાલ દસ દિવસના રિમાન્ડ પર છે.
સિરપમાં મિક્સ કરાતું કેમિકલ ક્યાંથી આવતું ?
પોલીસ દ્વારા બિલોદરા ગામમાં સિરપ વેચતા કિશન સોઢા અને તેના ભાઈ ઈશ્વર સોઢા આ બંનેને સિરપ વેચનાર યોગેશ સિંધી અને યોગેશને વેચનાર વડોદરાના નિતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી વિરૂદ્ધ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશને ગુનો નોંધી SITની રચના કરી સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ હતી. પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસ દરમ્યાન યોગેશ સિંધીની મોકમપુરા ખાતે શંકાસ્પદ ફેક્ટરી હોવાનો ખુલાસો થયો હતો. ડભાણ ખાતે તેનું સિરપનું ગોડાઉન હોવાનું પણ ખુલ્યું હતું. સાથે જ તે આ ફેક્ટરીમાં સિરપ બનાવતો હોવાનું અને તેમાં મિક્સ કરવા માટેનું કેમિકલ મુંબઈથી તોફીક નામના કેમિકલ રિટેલર પાસેથી લાવતો હોવાના ખુલાસા થયા છે. કેમિકલ વેચનાર મુંબઈના કેમિકલ રિટેલર તોફીકને પણ પોલીસ દ્વારા ઝડપી પાડી તેના નવ દિવસના રિમાન્ડ મેળવી પુછપરછ કરવામાં આવી રહી છે.
"અત્યાર સુધી કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. જે તમામ આરોપીઓ હાલ રિમાન્ડ પર છે. સમગ્ર મામલાની હાલ તપાસ ચાલી રહી છે." - ડી.એન.ચુડાસમા, તપાસ અધિકારી, SIT
કુલ સાત લોકોના મોત: નડિયાદના બિલોદરા ગામે કેટલાક લોકોએ ગામની કરિયાણાની દુકાને વેચાતું શંકાસ્પદ આયુર્વેદિક સિરપ પીધું હતું. જેને લઈ તેમને માથામાં દુખાવો, મોમાંથી ફીણ આવવું સહિતની તકલીફો થઈ હતી. જે બાદ એક પછી એક મોત નિપજ્યા હતા. આરોપીઓ કિશન અને ઈશ્વર સોઢાના પિતા સાંકળભાઈનું અમદાવાદ ખાતે સારવાર દરમ્યાન મોત થતા અત્યાર સુધી કુલ સાત લોકોના મોત થઈ ચૂક્યા છે. હાલ બે વ્યક્તિઓ અમદાવાદ તેમજ નડિયાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.