ખેડા: પરંપરાગત રીતે આજરોજ પુષ્ય નક્ષત્રમાં ડાકોર ખાતે રાજાધિરાજ રણછોડરાયજીની રથયાત્રા યોજાઈ હતી. ભગવાન રણછોડરાયજી મંદિરથી મંગળા આરતી સહિતના પારંપરિત વિધિ વિધાન બાદ ચાંદીના રથમાં બિરાજમાન થઈ ભગવાન નગરયાત્રાએ નીકળ્યા હતા. રથયાત્રાને પગલે સમગ્ર ડાકોર શહેર રણછોડમય બન્યું હતું.
ચાંદીના રથમાં અધિવાસન: રથયાત્રા નિમિત્તે ડાકોરના ઠાકોર રાજાધિરાજ ભગવાન રણછોડરાયજી મંદિરમાંથી ચાંદીના રથ પર બિરાજીને નગરચર્યા કરવા માટે નીકળ્યા હતા. ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે આજરોજ સવારે મંગળા આરતી તેમજ નિત્ય પૂજા અર્ચના બાદ ચાંદીના રથમાં ભગવાનનું અધિવાશન થયું હતું.ભક્તજનોની ભારે ભીડ વચ્ચે જય રણછોડ માખણ ચોર તેમજ રણછોડ મહારાજાના નાદ સાથે મંદિર પરિસરમાં પરિક્રમા કર્યા બાદ ભગવાનનો રથ મંદિરની બહાર નીકળ્યો હતો.
'પુષ્ય નક્ષત્ર જોઈ શ્રીનાથજીમાં જે રીતે રથયાત્રા નક્કી થાય છે તે પ્રમાણે ડાકોરમાં ઉત્સવો ઉજવાય છે.તેથી પુષ્ય નક્ષત્ર પ્રમાણે આ વખતે આજરોજ ત્રીજની રથયાત્રા છે.' -રવિન્દ્રભાઈ ઉપાધ્યાય, ઈન્ચાર્જ મેનેજર, ડાકોર ટેમ્પલ કમિટી
વાજતે-ગાજતે નીકળી રાજાધિરાજની સવારી: રથયાત્રાના પરંપરાગત રૂટ પર ડાકોરના ઠાકોરની વાજતે ગાજતે રથયાત્રા શરૂ થયા બાદ ગૌશાળા, લાલબાગ, મહાપ્રભુજીની બેઠક નરસિંહ ટેકરી થઈને રાધા કુંડ પહોંચી હતી. મોખા તલાવડીથી પુન: રથમાં બિરાજી રણછોડપુરા થઈ કેવડેશ્વર પહોંચી હતી જ્યાં ભગવાને આભૂષણ અને વસ્ત્રો ધારણ કર્યા હતા.
રાત્રે રથયાત્રા પૂર્ણ: પુનઃ રથયાત્રા લક્ષ્મીજી મંદિર,બોડાણા બેઠક થઈ નિયત રૂટ પૂરો કરશે. રાત્રિના નિજ મંદિરમાં પરત ફરશે.રથયાત્રામાં ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવો અને ભક્તજનો જોડાયા હતા. રથયાત્રામાં ફણગાવેલા મગ,જાંબુ અને કેરીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત: આ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શ્રીજીની રથયાત્રાના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કોઇ પણ રીતે કાયદો અને વ્યવસ્થા ન જોખમાય તે માટે ડી.વાય.એસ.પી, 3-પીઆઈ,9- સબ ઇન્સ્પેકટર તેમજ 452-પોલિસ જવાનો ફરજ પર હાજર છે.