જિલ્લા ચૂંટણી અધિકારી સુધીર પટેલે જણાવ્યું હતું કે, ખેડા લોકસભાની નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ છે. ખેડા જિલ્લામાં 150 મતદાન કેંન્દ્રો ઉપર ચૂંટણી પ્રક્રિયાનું લાઇવ વેબ કાસ્ટીંગ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
સુધીર પટેલે જણાવ્યું કે, ખેડા જિલ્લામાં 8180 જેટલા દિવ્યાંગ મતદારો નોંધાયા છે. દિવ્યાંગ, પ્રજ્ઞાચક્ષુ અને વયોવૃધ્ધ મતદારો સરળતાથી પોતાનું મતદાન કરી શકે તે માટે તેમણે અગ્રતા આપવામાં આવશે. શારીરિક અશક્ત એવા દિવ્યાંગ મતદારો માટે વ્હીલ ચેર ઉપરાંત વયોવૃધ્ધ તેમજ દિવ્યાંગ મતદારો માટે મતદાન મથક સુધી જરૂરી વાહનની સુવિધા કરવામાં આવશે તેમ ઉમેર્યુ હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.મોદી, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વી.એમ.રાજપૂત સહિત નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા.