મંદિરમાં અખંડ ચાલતી ધૂનના 1.25 લાખ કલાક પૂર્ણ થતાં ઉજવણી કરાઈ
આધ્યાત્મિક જગતની સૌથી મોટી તાકાત મંત્ર છે
2.55 કરોડ ઓનલાઇન અને 26 કરોડ મંત્રનું પોથીમાં મંત્રલેખન થયું
ખેડાઃ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ધામમાં માગશર વદ એકાદશીના શુભ દિને શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો 219મો પ્રાગટ્ય મહોત્સવ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાંનિધ્યમાં ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંપ્રદાયના વરિષ્ઠ સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી મહામંત્રનો કેસર જળથી અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે જ મંદિર પ્રાંગણમાં જ ઉચ્ચપીઠ પર ષડક્ષરી મંત્ર સ્વરૂપ પરમાત્માનું વિધિવત પૂજન આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના કરકમળોથી કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગત 5 વર્ષમાં વડતાલ સંસ્થાના માધ્યમે લખાયેલા 26 કરોડ મંત્રોની પોથીનું પૂજન કરવામાં આવ્યું હતું.
વડતાલ ધામનો મહિમા અપાર
આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, વડતાલ ધામનો મહિમા અપાર છે. અહીં કોઈ કામ નાનું હોતું જ નથી. આ સૃષ્ટિ ભગવાનને આધીન છે. સૃષ્ટિ નિયંતા પરમાત્મા મંત્રને આધીન છે. એટલે જે કોઈ ભક્ત શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મંત્ર અનુષ્ઠાન કરે છે તે ઈચ્છિત સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આધ્યાત્મિક જગતની સૌથી મોટી તાકાત મંત્ર છે. મંત્ર જપથી અંતરના દોષ પણ નાશ પામે છે અને સિદ્ધિ મળે છે.
2.55 કરોડ ઓનલાઇન અને 26 કરોડ મંત્રનું પોથીમાં મંત્રલેખન થયું
વડતાલ મંદિરમાં 7 ઓક્ટોબર 2006ના રોજ શરૂ થયેલી અખંડ ધૂનને 14 વર્ષ 3 માસ અને 2 દિવસ થયા છે. એટલે કે, 1.25 લાખ કલાકથી દિવસ-રાત અખંડ ધૂન ચાલે છે. આ ઉપરાંત ગત 5 વર્ષથી 2,860 સહિત ભકતો દ્વારા ઓનલાઇન 2.55 કરોડ મંત્ર લેખન અને મંત્ર પોથીમાં 26 કરોડ મંત્ર લેખન થયું છે.
મહામંત્રના પ્રાદુર્ભાવને 219 વર્ષ પૂર્ણ થયાં
જૂનાગઢ જિલ્લાના ફરેણી ગામે સંવત 1858માં માગશર વદ 11ના રોજ શ્રી સહાજાનંદ સ્વામીની ધ્યાનસ્થ સભામાં શ્રી સ્વામિનારાયણ મહાનામનું પ્રથમ ઉચ્ચારણ થયું હતું અને તે દિવસથી શ્રી સહજાનંદ સ્વામી પણ ‘સ્વામિનારાયણ ભગવાન’ના નામથી પ્રસિદ્ધિ પામ્યા હતા. આ સાથે જ સંપ્રદાય પણ ‘સ્વામિનારાયણ સંપ્રદાય’ તરીકે જાહેર થયો હતો. આ મહામંત્રના પ્રથમ પ્રાદુર્ભાવના અવસરને માગશર વદ-11ને શનિવારના રોજ 219 વર્ષ પૂર્ણ થયાં છે.