- સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડના ગૃહસ્થ વિભાગની ચૂંટણી
- 16મીએ મતગણતરી યોજાશે
- ચૂંટણીમાં વિજેતા પક્ષ સંચાલન કરશે
ખેડાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડના ગૃહસ્થ વિભાગની ચૂંટણી માટે સવારથી મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું છે. ટ્રસ્ટી બોર્ડના કુલ 7 સભ્યો પૈકી સાધુ વિભાગના 3 સભ્યો અગાઉ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. જેને લઇ હવે ગૃહસ્થ વિભાગના 4 ઉમેદવારો માટે મતદાન યોજાઈ રહ્યું છે. ચૂંટણીમાં જુદા-જુદા 3 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાંથી 72 હજાર જેટલા મતદારો મતદાન કરશે. જે માટે વડતાલ, સુરત, રાજકોટ, મુંબઈ જલગાવ સહિતના સ્થળોએ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા.
16મીએ મતગણતરી યોજાશે
રવિવારના રોજ યોજાનારી મતદાનની મતગણતરી પ્રક્રિયા 16 તારીખના રોજ યોજવામાં આવશે. જ્યારે બહારના રાજ્યોમાંથી મતપેટીઓ વડતાલ ખાતે લાવવામાં આવશે જે બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે.
દેવપક્ષ અને સત્સંગી પક્ષ વચ્ચે સીધો જંગ
સિદ્ઘાંત પક્ષ દ્વારા છેલ્લી ઘડીએ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જેને લઈ હવે આ ચૂંટણીમાં દેવપક્ષ અને સત્સંગી પક્ષ વચ્ચે સીધો જંગ યોજાઈ રહ્યો છે.
વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી ગત વર્ષે યોજાનારી હતી પરંતુ કોરોના મહામારીને પગલે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ચૂંટણીમાં વિજેતા પક્ષ સંચાલન કરશે. ચૂંટણીમાં વિજેતા થનારા પક્ષ વડતાલ તાબાના તમામ મંદિરો, નિ:શુલ્ક હોસ્પિટલ, સંસ્કૃત પાઠશાળા, ગૌશાળાનો વહિવટ સંભાળશે.