- પીપલગ એપીએમસી ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય
- કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય
- શહેરની વરિયાળી માર્કેટ ચાલુ રહેશે
ખેડાઃ જિલ્લામાં પીપલગ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ત્રણ દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે ગામમાં આવેલી એપીએમસી પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈ સોમવારથી ત્રણ દિવસ એપીએમસી બંધ રહેશે. જોકે, વરીયાળી માર્કેટમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
પીપલગ ગામમાં ત્રણ દિવસનું લોકડાઉન
નડિયાદ શહેર અને સમગ્ર ખેડા જિલ્લા સહિત પીપલગ ગામમાં પણ છેલ્લા કેટલાક સમયથી કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે ગામમાં ત્રણ દિવસનું લોકડાઉન જાહેર કરાયુ છે. ગામમાં મેડિકલ સ્ટોર, અનાજ દળવાની ઘંટી તેમજ દવાખાના સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે. જેને લઈ ગામમાં આવેલી એપીએમસી પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નડિયાદ શહેરની નાની શાકમાર્કેટ ચાલુ રહેશે
ખેડૂતો અને વેપારીઓ પોતાનો માલ વેચી અને ખરીદી શકે તે માટે વરીયાળી માર્કેટમાં વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઇને ખેડૂતો અને વેપારીઓને મુશ્કેલી ના પડે તે ઉપરાંત નડિયાદ શહેરની નાની શાકમાર્કેટ પણ ચાલુ રહેશે.