- જિલ્લામાં દર્દીઓ માટે ઓક્સિજનની જરૂરીયાત સંતોષાઇ
- દંડક પંકજ દેસાઇ અને સાંસદ દેવુંસિંહ ચૌહાણની અપીલને જનતાનો બહોળો પ્રતિસાદ મળ્યો
- સિવિલ હોસ્પિટલ ખાતે 21 ટન લિક્વિડ ઓક્સિજન સ્ટોરેજની ક્ષમતા ઉપલબ્ધ
ખેડાઃ સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટોરેજ ટેન્ક, તેનું ઇન્સ્ટોલેશન અને તેમાં ઓકિસજનનું સ્ટોરેજ પણ આજે પૂર્ણ થતા વિધાનસભાના દંડક પંકજ દેસાઇ, સાંસદ દેવુંસિંહ ચૌહાણ, ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણ, કલેક્ટર આઇ.કે.પટેલ અને સિવિલ સર્જન તૃપ્તિ શાહના વરદ હસ્તે ઓક્સિજન ટેન્કમાંથી સિવિલના દર્દીઓને ઓક્સિજન આપવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદમાં 13 ટનના ઓક્સિજન પ્લાન્ટથી ઓક્સિજન મળવો થયો સહેલો
દંડક પંકજ દેસાઇ અને સાંસદ દેવુંસિંહ ચૌહાણની અપીલને જનતાનો બહોળો પ્રતિસાદ મળ્યો
કોરોના સામેના જંગમા દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાતને પહોંચી વળવા માટે તેમજ કોરોનાની સારવાર માટે દર્દીઓને ઓક્સિજનની આવશ્યકતા રહેતી હોવાથી ઓક્સિજન ટેન્ક બનાવવા માટે રૂપિયા 50 લાખની જરૂરીયાત હતી. આ જરૂરીયાતને ધ્યાને રાખી સ્થાનિક ક્ક્ષાએ આ સગવડતા ઉપલબ્ધ કરાવી શકાય તે માટે ધારાસભ અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઇ અને કલેક્ટર આઇ.કે.પટેલે ઓક્સિજનની બાબતે સિવિલ હોસ્પિટલને સ્વનિર્ભર કરવાનું સ્વપ્ન સાર્થક કરવા દાન માટે અપીલ કરવામાં આવી હતી. આ અપીલને સારો પ્રતિસાદ સાંપડયો હતો અને ટુંક સમયમાં જ જરૂરીયાત મુજબનું રૂપિયા 50 લાખનું માતબર ભંડોળ જિલ્લાના દાતાઓ દ્વારા આપવામાં આવ્યું હતું. આ કામગીરી ઝડપથી પુરી કરવા માટે જિલ્લાના અગ્રણી પદાધિકારીઓ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવી હતી.
ટેન્ક મળવાથી ખૂબ મોટી રાહત: મુખ્ય દંડક
વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઇએ જણાવ્યું હતું કે, નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે 21 ટનની સ્ટોરેજ લિકવિડ ઓક્સિજન ટેન્ક પુરેપુરા ડોનેશનના આધારે બનાવવામાં આવી છે. આ ટેન્ક દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આપણી જરૂરીયાત 24 કલાક દરમિયાન 18 ટનની હોય છે. તેની સામે આ 21 ટનની ટેન્ક મળવાથી આપણને ખૂબ જ મોટી રાહત થઇ છે. ઓક્સિજન જામનગરથી મંગાવવામાં આવતો ત્યારે ઓક્સિજન નડિયાદ સુધી પહોંચતા સમય લાગતો હતો અને દર્દીઓની જરૂરીયાત મુજબ અંદાજે 4 ટન જેટલો ઓક્સિજન ખૂટતો હતો. રૂપિયા 50 લાખના ખર્ચથી ટેન્ક માટે કલેક્ટર આઇ.કે.પટેલ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું. આ આહ્વાન કરતાની સાથે જ દાનવીરો દ્વારા દાન આપી આ મહામારીમાં આવી પડેલી આફતની પળોમાં સહભાગી થવાની સાથે સાથે સેવાની સરવાણી વહાવી હતી. આ કામમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણે પણ સંપૂર્ણ સાથ સહકાર આપ્યો હતો. જેના કારણે જરૂરીયાત મુજબની રકમ મળી ગઇ હતી. જિલ્લાના અને નડિયાદના દાતાઓ દ્વારા માતબર દાન પણ આપવામાં આવ્યું છે. તે તમામનો દંડકે આભાર વ્યકત કર્યો હતો. આ મહામારીમાં આ દાન મળતા તેનું મહત્વ ખુબ જ વધી ગયું છે. આજે અંદાજે 15 ટન ઓક્સિજન ટેન્ક કે જેની કિંમત રૂપિયા 5 લાખ જેટલી થાય છે, તે ઓક્સિજન પૂરો પાડતી કંપની શક્તિ ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ, વડોદરા દ્વારા ડોનેટ કરવામાં આવી છે. તેમનો પણ તેમણે આભાર માન્યો હતો. આમ, આ ઓક્સિજન ટેન્ક કાર્યરત થવાથી જિલ્લા વહિવટી તંત્ર અને સિવિલ હોસ્પિટલના તબીબોને મોટી રાહત થઇ છે. ઓક્સિજન માટેની દોડધામ અટકી ગઇ છે અને દર્દીઓને સરળતાથી સારવાર મળતી થશે. તેમણે ઉમેર્યું હતું કે, આવનારા સમયમાં જિલ્લામાં અન્ય સ્થળે પણ ઓક્સિજનની જરૂરીયાતને પુરી પાડી શકાય તે માટેની કાર્યવાહી પણ થઇ છે.
આ પણ વાંચોઃ ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં 10 હજાર લીટરનું ટેન્કર પહોંચ્યું
ઉપસ્થિત મહાનુભવો
આ પ્રસંગે ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણ, કલેક્ટર આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી બચાણી, જિલ્લા સિવિલ સર્જન તૃપ્તિ શાહ, RMO ડૉ. નાસર, ડૉ. મનીષ જાડાવાલા તથા મોટી સંખ્યામાં સિવિલના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.