નડિયાદઃ શહેરમાં 21 વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ નોંધાયો છે. જેને લઇ શહેરમાં એક કેસનો વધારો થવા પામ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ સાત કેસ નોંધાયા છે. આ યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર દ્વારા સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઇન કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાઇ છે.
નડિયાદ શહેરના પીજ ભાગોળ વિસ્તારમાં રહેતા અને પીપલગ શાક માર્કેટમાં મજૂરીકામ કરતા 30 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવકને કેટલાક દિવસથી તાવ આવતા તેમને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં કોઇ ફેર ન જણાતા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં કોરોનાનો રિપોર્ટ કરાવવામાં આવતા તે પોઝિટિવ આવ્યો છે.
છેલ્લે 29 એપ્રિલ સુધી યુવક શાકમાર્કેટમાં મજૂરી કામ કરવા ગયા હતા. નડિયાદ શહેરમાં વધુ એક કેસ સામે આવતા તંત્ર દ્વારા પરિવારજનો સહિત સંપર્કમાં આવેલા વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શનિવારે નડિયાદમાં વધુ એક કોરોના કેસ સામે આવતા નડિયાદ શહેરમાં તેમજ ખેડા જિલ્લામાં કુલ કેસની સંખ્યા 7 થવા પામી છે.
વધુમાં જિલ્લાના વસો ગામના અમદાવાદ ખાતે ગયેલા એક વ્યક્તિને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા અમદાવાદ ખાતે જ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. જો કે તેમના વતનના ગામ વસોમાં તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે.