મહી નદીમાં છોડવામાં આવી રહેલા પાણીને કારણે નદી 2 કાંઠે વહી રહી છે. હાલ ગળતેશ્વર ખાતે મહીસાગર નદી પર આવેલ ખેડા અને વડોદરા જિલ્લાને જોડતા પુલને અડીને નદીમાં પાણી વહી રહ્યું છે. જે પુલ થોડા સમયમાં જ પાણીમાં ગરકાવ થશે. જેને પગલે પુલ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવશે. સલામતીના ભાગરૂપે હાલ ગળતેશ્વર ખાતે પુલ સહિત નદી કિનારા પર પોલીસ તેમજ હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોઈ ગળતેશ્વર ખાતે સુપ્રસિદ્ધ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. જ્યાં મહી અને ગળતી નદીના સંગમ સ્થાને સ્નાન કરવાનો મહિમા રહેલો છે. જેને લઇ નદીમાં પાણી છોડાતા યાત્રીઓને નદીથી દૂર રાખવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં નદીમાં વધારે પાણી છોડવામાં આવશે તો તેને લઈ નદી કિનારા ગામોને સલામત સ્થળે ખસેડવા સહિતની તંત્ર દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા પહેલેથી જ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
મહત્વનું છે કે વણાકબોરી ડેમની ક્ષમતા 221 ફૂટની છે જે 2 દિવસ પહેલાં સપાટી 226 ફૂટ સુધી પહોંચી હતી અને હાલ 230 ફૂટે પહોંચી છે. જેથી, ડેમ 9 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે. આગામી સમયમાં ઉપરવાસમાંથી પાણીની આવક થશે તો ડેમમાંથી વધુ પાણી મહી નદીમાં છોડવામાં આવશે.