- ખેડાના સાંસદ છે દેવુસિંહ ચૌહાણ
- છેલ્લી બે ટર્મથી છે ખેડાના સાંસદ
- વિવિધ કમિટીઓમાં છે સભ્ય પદ
ખેડા : વડાપ્રધાન મોદી (PM Narendra Modi) દ્વારા આજે બુધવારે કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ (Expansion of Cabinet) કરવામાં આવ્યું છે.જેમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે આજે દેવુસિંહ ચૌહાણ દિલ્હી પહોંચ્યા હતા. સતત 2 ટર્મથી ચૂંટાઈને આવતા દેવુસિંહ ચૌહાણ યુવાનોમાં પણ લોકપ્રિય છે. દેવુસિંહ જિલ્લા અને અન્ય રાજ્યોમાં કાર્યકર્તા તરીકે સ્થાનિક સ્વરાજની તેમજ વિધાનસભાની ચૂંટણીઓમાં સફળ જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેઓ વાંચન,પ્રવાસ તેમજ સંગીતમાં વિશેષ રુચિ ધરાવે છે.
જાહેર જીવન
દેવુસિંહ ચૌહાણે વર્ષ 2002માં જાહેર જીવનમાં પ્રવેશ કર્યો હતો. આ અગાઉ તેઓ વર્ષ 1989થી 2002 સુધી આકાશવાણી કેન્દ્રમાં એન્જિનિયર તરીકે સેવા આપી હતી. તેઓ સૌપ્રથમ વખત વર્ષ 2007માં ભાજપમાંથી માતર વિધાનસભા મતક્ષેત્રમાંથી ચૂંટાયા હતા. આ પહેલા વર્ષ 2009માં ખેડા લોકસભાની ચૂંટણીમાં 746 મતોથી હાર થઈ હતી. વર્ષ 2012માં ફરી વખત તેઓ માતરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2014માં 16મી લોકસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ખેડા લોકસભા વિસ્તારના સંસદ સભ્ય તરીકે પ્રથમ વાર ચૂંટાયા હતા. વર્ષ 2019માં ફરી વખત ખેડા લોકસભા વિસ્તારના સંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે.
અન્ય સિદ્ધીઓ
વર્ષ 2015થી વોટર રિસોર્ટ કમિટી, આઈ.ટી. કમિટીના સભ્ય પદે રહ્યા છે. હાલમાં સ્ટેન્ડીંગ કમિટી ઓન ડિફેન્સ, કંસલ્ટેટિવ કમિટી મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ જેવી વિવિધ કમિટીઓમાં સભ્યપદે કાર્યરત છે. તેમની 2016 અંતમાં બ્રિટિશ હાઇ કમિશ્નર દ્વારા કિંગ્સ કોલેજ,લંડન ખાતે ટૂંકા અભ્યાસ માટે પસંદગી થઈ હતી.