ખેડા: નડિયાદ શહેરમાં જિલ્લા કલેક્ટર સૂચના અન્વયે પ્રાંત અધિકારી લલિત પટેલના માર્ગદર્શન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં શહેરમાં અંદાજે 250 થી વધુ નાગરિકોને માસ્ક ન પહેરવા તેમજ જાહેરમાં થુંકવા બાબતે દંડ ફટકારવામાં આવ્યો હતો.
ખેડા જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલ અને જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર દ્વારા જિલ્લાની જનતાને કોરોના સંક્રમણથી બચાવવા માસ્ક પહેરીને બહાર નીકળવા અને એક બીજાથી જરૂરી અંતર રાખવા વારંવાર અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
જિલ્લામાં આરોગ્ય વિભાગ અને વિવિધ સંસ્થાઓ દ્વારા પણ જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ માટે પ્રજાજનો જાગૃત થાય અને માસ્ક પહેરે તે માટે જિલ્લા પોલીસ દ્વારા દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ માટે જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા દંડની ખાસ ઝૂંબેશ પણ હાથ ધરવામાં આવી છે.
ખેડા જિલ્લામાં કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે અને તેની સામે કાળજી રાખવા માટે રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડ લાઇન મુજબ માસ્ક પહેરવું તેમજ એક બીજા વચ્ચે જરૂરી અંતર રાખવા માટે અવાર નવાર વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યા છે. આ નિયમોનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે તો કોરોના વાઇરસનો ચેપ ફેલાતો અટકે છે. જિલ્લાભરમાં પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી ઝુંબેશના કારણે નાગરિકો જાગૃત થવા લાગ્યા છે.
ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણ વધે નહિ તે માટે માસ્ક પહેરવું ફરજીયાત છે અને આ માટે જિલ્લા વહિવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વારંવાર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કામગીરીમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ પણ તેમનું યોગદાન આપી રહી છે.