- અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશની કાર્યકારિણીની બેઠક યોજાઈ
- નડિયાદ સંતરામ મંદિરના પટાંગણમાં યોજાઈ બેઠક
- ગૌ સંરક્ષણ અને લવ જેહાદના કાયદો લાવવા બદલ સરકારને અભિનંદન
ખેડા: સંત જગતના અગ્રણી વરિષ્ઠ મહંત મોહનદાસજી મહારાજ અને વિશ્વ વિખ્યાત સંતરામ મંદિરના તપોમૂર્તિ, વંદનીય સંત રામદાસજી મહારાજના સાનિધ્યમાં ગુજરાત વ્યાપી વિવિધ સંપ્રદાયોના પુજનિય સંતોનું જિલ્લા અને તાલુકા સ્તર સુધીની સમિતિઓની રચના કરવા માટે અને આગામી વિશેષ કાર્યક્રમોના આયોજન માટે અખિલ ભારતીય સંત સમિતિ (Akhil Bharatiya Sant Samiti) ગુજરાત પ્રદેશની કાર્યકારિણીની મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા ગૌ સંરક્ષણ અને લવ જેહાદના કાયદો લાવવા બદલ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ નેતૃત્વવાળી સરકારને અભિનંદન પાઠવ્યા હતા અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: પ્રદેશ ભાજપ દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સ્વંયસેવક અભિયાનની પ્રદેશ સ્તરીય બેઠક યોજાઇ
દેશમાં રાષ્ટ્રવાદની તાતી જરૂર : પ્રદિપસિંહ જાડેજા
ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ જણાવ્યું હતુ કે, સમગ્ર દેશમાં રાષ્ટ્રવાદની તાતી જરૂર છે. સંસ્કૃતિના રક્ષકો સૌ સંતો છે. મંદિરો સમગ્ર સમાજના આસ્થા કેન્દ્રો છે. ધર્મસંતોની શિક્ષા અને શાસ્ત્રો મંદિરોની દિક્ષા પરિણામે જ સમગ્ર ગુજરાતમાં સૌને શાંતિ, સલામતી અને સુરક્ષાની સાચી ઓળખ થઇ છે. વર્તમાનમાં ધર્માતરણને રોકીશુ તો જ રાષ્ટ્રાંતરણ ક્યારેય નહી થાય, તે દિશામાં ધર્મસત્તા અને રાજ્ય સત્તાએ મળીને સહીયારો પુરુષાર્થ કરવાનો છે. અમારી સરકારે જે વચન આપ્યા હતા તે પુર્ણ કરવા કટીબદ્ધ છીએ. સોગંધ રામ કી ખાતે હૈ હમ મંદિર વહી બનાયેંગે.. તે સુત્ર મુજબ રામ મંદિર નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતુ.
આ પણ વાંચો: રાજકોટના નિરાલી રિસોર્ટમાં લાગી આગ, 8 પરપ્રાંતિય કર્મચારી દાઝ્યા
અપૂજ્ય મંદિરોનો સર્વે કરીને તેના પુનરોત્થાન માટેની કાર્યવાહી કરવાનો ઠરાવ
આ પ્રસંગે ગુજરાત પ્રદેશના સંત સમિતિના પ્રમુખ નૌતમપ્રકાશ દાસજી સ્વામીએ વર્તમાનમાં મંદિરોની માલિકીની જમીનો-મિલકતોમાં પીઠાધીશ્વર કે મુખ્ય સંતના દેવ થયા બાદ ટ્રાન્સફરના સંદર્ભે પડતી મુશ્કેલીઓ નિવારવા,પાંજરાપોળમાં પશુઓને મળતા અનુદાનની રકમમાં વધારો કરવા તથા રાજ્યભરના મંદિરોમાં મળતા કોમર્શિયલ વીજ બિલોને સામાન્ય વીજબિલમાં તબદીલ કરવા માટે કાર્યવાહી કરવા ગૃહપ્રધાનને રજૂઆત કરી હતી. જે સંદર્ભે સરકાર સત્વરે સકારાત્મક પગલાં ભરશે તેવી ખાતરી ગૃહપ્રધાને આપી હતી. સાથે સાથે સમગ્ર ગુજરાતના અપૂજ્ય મંદિરોનો સર્વે કરીને તેના પુનરોત્થાન માટેની કાર્યવાહી કરવાનો પણ ઠરાવ કરાયો હતો. તદુપરાંત સમારંભના પ્રારંભે જ દેશ-વિદેશમાં શ્રદ્ધેય સન્માનનીય મહાત્માઓ, સંતો, મહંતોના બ્રહ્મલીન થયાના સંદર્ભે બે મિનીટનું મૌન પાળીને સૌને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.
ધર્માંતરણ અટકાવવા, ધર્મરક્ષા, સમાજ રક્ષા કરવા ઉપર ભાર મૂકાયો
આ પ્રસંગે સંતરામ મંદિર (Santram Temple) નડિયાદના મહંત રામદાસજી મહારાજે તેમજ રાષ્ટ્રીય મહામંત્રી જયેન્દ્ર સરસ્વતીજીએ પ્રાસંગિક પ્રવચનમાં ધર્માંતરણને અટકાવવા, અપૂજ્ય મંદિરોનું પુનરોત્થાન કરવા, ધર્મરક્ષા, સમાજ રક્ષા કરવા ઉપર વિશેષ ભાર મૂક્યો હતો તથા ગુજરાતની સંત સમાજ સમિતિ સમગ્ર દેશમાં રોલમોડલ બની રહે તેવા શુભ આશીર્વાદ પણ પાઠવ્યા હતા. સંમેલનમાં વિધાનસભાના મુખ્યદંડક પંકજ દેસાઇ, નડીયાદના ઉધોગપતિ દેવાંગ પટેલનું વિશેષ સન્માન કરાયું હતુ. આ પ્રસંગે કોષાધ્યક્ષ મુદિતવંદનાનંદજી મહારાજ, મહામંત્રી રામચંન્દ્રજી મહારાજ, સંયુક્ત મહામંત્રી દામોદરદાસજી મહારાજ, સંગઠન મંત્રી રામ મનોહરદાસજી મહારાજ, દ્રારકેશલાલજી મહારાજ, દેવ પ્રસાદજી મહારાજ, દેવકિશોર સ્વામી, ડો.સંત વલ્લભદાસજી સ્વામી, ભયલુભાઇ બાપુ (પાળીયાદ) વગેરે સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.