ખેડા: જિલ્લાના ચકચારી સિરપકાંડ મામલામાં અગાઉ સાત આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. જે તમામ હાલ જેલમાં છે. પોલીસ દ્વારા મામલામાં તપાસ ચાલી રહી છે. જેમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે.
આરોપીના સાળાની શંકાસ્પદ ભૂમિકા: પોલીસ દ્વારા મળેલી વિગતો મુજબ આરોપી યોગેશ સિંધીના સાળા ગોપીચંદ સામતાણીની શંકાસ્પદ ભુમિકા જણાઈ આવી હતી. તેણે બેંક ટ્રાન્જેક્શન તેમજ પુરાવાનો નાશ કરવા સહિતની મદદ કરી હતી. જેને લઈ તેની અટકાયત કરી હાલ વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
કુલ સાત આરોપીઓ જેલહવાલે: અત્યાર સુધી સમગ્ર સિરપકાંડ મામલામાં અગાઉ પોલીસ દ્વારા કુલ સાત આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. જે આરોપીઓના રિમાન્ડ મેળવી પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. રિમાન્ડ પૂર્ણ થયા બાદ હાલ તમામ આરોપીઓ જેલમાં છે.
શંકાસ્પદ સિરપ પીવાથી સાત લોકોના મોત: નડિયાદના બિલોદરા ગામે કેટલાક લોકોએ ગામની કરિયાણાની દુકાને વેચાતું શંકાસ્પદ આયુર્વેદિક સિરપ પીધું હતું. જેને લઈ તેમને માથામાં દુખાવો, મોમાંથી ફીણ આવવું સહિતની તકલીફો થઈ હતી. જે બાદ એક પછી એક સાત વ્યક્તિના મોત નીપજ્યા હતા.