ખેડા : જિલ્લામાં ચોમાસાનો માહોલ જામતો જાય છે. આજે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. જેને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સેવાલિયા ખાતે આવેલી SBI બેંકમાં પાણી ભરાય ગયું હતું. જેને કારણે બેંકના વ્યવહારો બંધ થઈ જવા પામ્યા હતા. જોકે બેંકમાં કોઈ નુકશાન થવા પામ્યું નથી.
બેંકના વ્યવહારો ખોરવાયા : બેંકમાં પાણી ભરાઈ જવાના કારણે બેંકના વ્યવહાર ખોરવાઇ જવા પામ્યા હતા. બેંક મેનેજર સહિતના સ્ટાફ દ્વારા બેંકમાં રહેલો સામાન તેમજ ફાઈલો ખસેડી દેવામાં આવી હતી. કર્મચારીઓ દ્વારા પાણી ઉલેચવાની કામગીરી કરાઈ હતી. વરસાદને પગલે બે દિવસમાં બેંકમાં બીજીવાર પાણી ભરાયું હતું.
ગટરો બ્લોક થઈ જવાથી તેમજ રસ્તા પર કચરાના ઢગલાના કારણે નીચાણવાળા વિસ્તારમાં આવેલી બેંકમાં પાણી ભરાયા હતા. કર્મચારીઓ દ્વારા પાણી ઉલેચવામાં આવ્યું હતું. બેંકના એટીએમમાં પણ પાણી ભરાયા હતા. કર્મચારીઓ દ્વારા ફાઈલો ઉંચાઈ પર મૂકી દેવાઈ હતી. બેંકમાં કોઈ નુકશાન થવા પામ્યું નથી. - નવિન કુમાર (બેંકના મેનેજર)
જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : આજે નડિયાદ સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે. નડીયાદમાં ધોધમાર વરસાદને પગલે રોડ પરથી પાણી વહેતા થયા હતા. જિલ્લાના નડિયાદ, મહુધા, ગળતેશ્વર સહિતના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થયો હતો. વરસાદને કારણે વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાને કારણે અને ભારે વરસાદને લઈ કેટલાક વિસ્તારોમાં વાહન વ્યવહાર અટવાયો હતો. નદી નાળામાં પણ નવા પાણીની આવકની શરૂઆત થઈ હતી.
ખેડૂતોમાં આનંદની લાગણી : જિલ્લામાં ચોમાસાનો માહોલ જામતા કેટલાક દિવસોથી વરસાદ થઈ રહ્યો છે. ધરતીપુત્રો દ્વારા વાવણી માટે ડાંગરનું ધરૂ તૈયાર કરવામાં આવ્યુ છે, ત્યારે બે દિવસથી સારો એવો વરસાદ થતાં ખેડુતોમાં આનંદની લાગણી ફેલાવા પામી છે. ચોમાસાની સારી શરૂઆત થતા ધરતીપુત્રોમાં સારા ચોમાસાની આશા બંધાવા પામી છે.