ખેડા : મહુધા ટીડીઓ દ્વારા તાલુકાના ગામોના તલાટીઓ અને સરપંચને રજાના દિવસમાં કામ કરવા આદેશ કરાયો છે. ખેડા તાલુકા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીનો સંભવિત ઠપકો ન સાંભળવો પડે તેને લઈ 13 અને 14 જાન્યુઆરીના રજાના દિવસોમાં પણ કચેરી ચાલુ રાખી પૂર્વ મંજુરી સિવાય ફરજનું સ્થળ નહી છોડવા આદેશ કરાયો છે.નાણાપંચ સહિતના અધૂરા વિકાસ કામોને પુરા કરવા આદેશ કરાયો છે.
સમય મર્યાદાનો મામલો : તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરાયેલા આદેશ મુજબ આવાસ યોજના અને નાણાપંચ હેઠળ મંજૂર થયેલા કામો પુર્ણ કરવાની સમય મર્યાદા 31-12-23 હતી.જે સમય મર્યાદા સુધી આ કામો પુર્ણ થયા નહોતા.જેને લઈ 10 જાન્યુઆરી સુધી પુર્ણ કરવા જણાવાયુ હતું. જે બાદ પણ કામો બાકી રહેવા પામ્યા હતાં. જેને લઈ આગામી સમયમાં જિલ્લા વિકાસ અધિકારી સાથે મીટિંગ હોઈ તેમાં ઠપકો મળે તેમ હોવાની શક્યતા છે.
હાજરીના લોકેશન સાથેના ફોટોગ્રાફ મોકલવા જણાવાયું : મહુધા ટીડીઓ દ્વારા થયેલા આદેશમાં 13 -14 જાન્યુઆરીની રજાઓમાં ગામે હાજર રહી જે ગામોને વહીવટી મંજૂરી વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે. તેવા ગામના તલાટીઓએ ગામે હાજર રહી કામો પુર્ણ કરાવવાની કાર્યવાહી કરવા તેમજ ત્રણ ટાઈમ હાજરીના લોકેશન સાથેના ફોટોગ્રાફ્સ ગ્રુપમાં શેર કરવા પણ જણાવાયુ છે. સાથે જ 14 જાન્યુઆરીના રોજ સાંજે 4 કલાકે થયેલ કામગીરીનો રિપોર્ટ કરવા તથા પૂર્વ મંજૂરી સિવાય ફરજનું સ્થળ નહી છોડવા જણાવાયુ છે.
અધિકારીએ જવાબ આપવાનું ટાળ્યું :આ બાબતે મહુધા તાલુકા વિકાસ અધિકારી જ્યોતિ દેસાઈનો ફોન પર સંપર્ક કરતા તેમના દ્વારા ફોન રિસિવ કરાયો નહોતો.જો કે આ વિવાદિત હુકમને પગલે છુપો કચવાટ પણ જોવા મળી રહ્યો છે.