ખેડા : ખેડા જિલ્લાના મહુધા તેમજ માતરમાં ધારાસભ્ય દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડા દ્વારા માબાપવિહોણી 77 જેટલી દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતાં. જ્યારે માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગની 121 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતાં.
ગણમાન્ય મહાનુભાવોએ આપી હાજરી: ખેડાના બે વિસ્તારમાં ધારાસભ્ય દ્વારા યોજાયેલા જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન પ્રસંગે ગુજરાત સંત સમિતિના અધ્યક્ષ નૌતમ સ્વામી, સાંસદ અને કેન્દ્રીય રાજ્ય પ્રધાન દેવુસિંહ ચૌહાણ, જિલ્લાના તમામ ધારાસભ્ય, જિલ્લા પોલીસ વડા, રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આડીનારમાં સમૂહ લગ્નની ધામધૂમ: મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહીડા દ્વારા પોતાનો તમામ પગાર ગરીબ દીકરીઓના શિક્ષણ તેમજ લગ્ન માટે વાપરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. જે સંકલ્પ પૂર્ણ કરતા આજરોજ નડીયાદ નજીક આડીનાર ખાતે માબાપવિહોણી 77 દીકરીઓના ધામધૂમથી સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું.
મેં 8/12/2022 ના રોજ સંકલ્પ કર્યો હતો કે હું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે પદ સંભાળીશ તો મારો તમામ પગાર માબાપવિહોણી અને ગરીબ દીકરીઓના ભણતર અને સમૂહ લગ્ન માટે વાપરીશ. સમૂહલગ્નનું આયોજન થતાં તે સંકલ્પ આજે પૂર્ણ થયો છે...સંજયસિંહ મહીડા (ધારાસભ્ય)
ભલાડામાં 121 દીકરીઓના સમૂહ લગ્ન: માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશ પરમાર દ્વારા માતર તાલુકાના ભલાડામાં ગરીબ અને મધ્યમ વર્ગની 121 દીકરીઓના સમૂહ લગ્ન ખૂબ ધામધુમથી યોજાયા હતા. દેખાદેખીથી થતાં ખર્ચ ટળે તેવા હેતુથી માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર, કિરણભાઈ પટેલ (મુન્નાભાઈ),ચંદ્રેશભાઇ પટેલના સંકલ્પ થકી આ નિશુલ્ક સમૂહ લગ્નનું આયોજન થયું હતું. વધુમાં તેમણે સમાજના લોકોને ડીજે અને દારૂખાનાના ખોટા ખર્ચા ન કરવા અને શિક્ષણમાં આગળ વધવા તેમજ સમૂહલગ્નમાં લગ્ન સંપન્ન કરવા માટે આહવાન કર્યું હતું.
હું પોતે સામાન્ય પરિવારમાંથી આવું છું એટલે ખોટો ખર્ચો ન થાય તે હેતુસર આ આયોજન કરવામાં આવ્યું હતું. હું જે સમાજમાંથી આવે છે તે સમાજમાં લોકો આર્થિક રીતે નબળા હોય છે. જ્યારે તેઓ પોતાના ઘરે પોતાના દીકરા કે દીકરીને લગ્ન કરવાના થાય ત્યારે પોતાની પાસે રહેલી ખેતીની જમીનને ગીરે મૂકી અથવા ખેતરમાં રહેલા વૃક્ષો વેચીને પ્રસંગ કરી દેવું કરતા હોય છે.જેના કારણે અમે અગાઉ વર્ષ 2022 માં પણ નિશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું અને આ વર્ષે પણ મિત્ર ચંદ્રેશભાઈ પટેલ તથા કિરણભાઈ પટેલ બંને મિત્રોના સહીયોગથી અને દાતાઓના સહયોગથી આ આયોજન કર્યું હતું...કલ્પેશભાઈ પરમાર (ધારાસભ્ય)
જિલ્લા પોલીસની ઉપયોગી ભેટ: સમૂહ લગ્નમાં ઉપસ્થિત જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં નવદંપતિઓને આશીર્વાદ આપવા સાથે હેલમેટની ભેટ આપવામાં આવી હતી. ટ્રાફિક અવરનેસ કેળવવા માટે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા અને કેન્દ્રીય રાજ્યપ્રધાન દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં સૌને ટ્રાફિકના નિયમોના પાલનની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. નવદંપતિઓએ ટ્રાફીક નિયમો જેવા કે હેલ્મેટ પહેરવું, ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત ન કરવી સહિતના વિવિધ ટ્રાફીક નિયમોનું પાલન કરશે તે બાબતે પ્રતિજ્ઞા લીધી હતી.