કપડવંજ : ખેડા જિલ્લાની કપડવંજ કોર્ટ દ્વારા પોતાના એક માસના બાળકની હત્યા કરવાના મામલામાં આરોપી માતાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. લગ્નેત્તર સંબંધથી જન્મેલા બાળકને રાખવા ન માંગતી હોઈ માતા દ્વારા પોતાના જ બાળકને ગરનાળામાં નાખી દેવામાં આવ્યુ હતું. વર્ષ 2019 માં કઠલાલ નજીક ગરનાળામાંથી એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાબતે કઠલાલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
બાળકના જન્મની નોંધણીને લઈ તપાસ : આ કેસમાં કઠલાલ પોલીસ તરફથી વિવિધ નગરપાલિકાઓ અને ગ્રામપંચાયતોમાં જન્મેલ બાળકોની નોંધણી અંગે તપાસ કરવામાં આવી હતી. જેમાં આરોપી આશાબેન રાઠોડે સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે તા.23/05/19 ના રોજ એક બાળકને જન્મ આપ્યો હતો તેેની જન્મની નોંધણી તા.24/05/19 માતાનું નામ આશાબેન રાઠોડ જન્મ સ્થળ નડીયાદની વિગતોથી નડીયાદ નગરપાલિકામાં નોંધવામાં આવી હતી. જે જન્મ દાખલાના આધારે પોલિસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ હતી.
આ પણ વાંચો Kheda News : હત્યાના મામલામાં 7 આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કપડવંજ કોર્ટ
પતિ દ્વારા ડીએનએ ટેસ્ટ કરાવવા માંગ કરાઈ હતી : આશાબેન રાઠોડને તેના પતિ સાથે મનમેળ ન હોઈ કઠલાલ કોર્ટમાં ભરણપોષણ બાબતે કાર્યવાહી ચાલતી હતી. તે દરમ્યાન આરોપીના પતિએ પોતાને પ્રથમ દીકરો થયેલો તે દીકરા સિવાય અન્ય બાળકો નથી તેમ જણાવી ડીએનએ ટેસ્ટ કરાવવા માંગણી કરી હતી અને પોલિસને લેખિતમાં જાણ કરી હતી.
ડીએનએથી બાળક આરોપીનું હોવાનું પુરવાર થયું : સમગ્ર કેસની તપાસ દરમ્યાન બાળક તેમજ આશાબેનના અને અન્ય એક ઈસમના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જે ડીએનએ પરીક્ષણમાં બાળક આરોપી આશાબેનનું હોવાનું પુરવાર થયું હતું. જેને પગલે આ બાળક આશાબેનના લગ્નેતર સંબંધોને કારણે થયું હોવાનું પણ ફલિત થયું હતું.
12 મૌખિક અને 60થી વધુ દસ્તાવેજી પુરાવા : માતા દ્વારા બાળકની હત્યાનો આ સમગ્ર કેસ કપડવંજ સેશન્સ કોર્ટમાં ન્યાયાધીશ વી.પી.અગ્રવાલની કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ મીનેષ.આર.પટેલે જણાવ્યુ હતું કે કુલ 12 જેટલા મૌખિક પુરાવા અને 60થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યાં હતાં. જેમાં આરોપીના પતિનો પુરાવો, ડોક્ટરનો પુરાવો,એફએસએલ ડીએનએનો પુરાવો તેમજ અન્ય પુરાવાને આધારે કડીબદ્ધ કેસ પુરવાર કરી તે અંગેની દલીલો કરી હતી. જેને આધારે કોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવ્યો હતો. જેમાં દાખલો બેસાડતો ચુકાદો આપી કપડવંજ કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.