- શટલ રીક્ષામાં પ્રવાસ કરતા દાદી અને પૌત્રીને નડ્યો અકસ્માત
- અજાણ્યા વાહન નીચે આવી જતા બાળકીનું ઘટના સ્થળે જ મોત
- ગંભીર ઈજાઓને કારણે દાદીનું સારવાર દરમિયાન મોત
ખેડા : ઠાસરા ડાકોર તરફ શટલ રીક્ષામાં પ્રવાસ કરતા દાદી અને પૌત્રીને અકસ્માત નડ્યો હતો. આ માર્ગ અકસ્માતમાં દાદી-પૌત્રીનું મોત થયું હતું. મળતી વિગતો અનુસાર દાદી અને પૌત્રી રીક્ષા મારફતે પ્રવાસ કરી રહ્યા હતા. જે દરમિયાન ઠાસરા ડાકોર રોડ પર રીક્ષાનો અકસ્માત થતા પૌત્રી રીક્ષામાંથી નીચે પડી ગઇ હતી. જેને બચાવવા જતા દાદી પણ નીચે પડી ગયા હતા.
પૌત્રીને બચાવવા જતા દાદીમાંએ પણ જીવ ગુમાવ્યો
ઠાસરા ડાકોર રોડ પરથી પસાર થઇ રહેલી શટલ રીક્ષાને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા અંદર બેઠેલી બાળકી બહાર પડી ગઈ હતી. જેને બચાવવા જતા બાળકીના દાદી પણ રોડ પર પડી ગયા હતા. શટલ રીક્ષામાંથી પડતા જ પાછળથી આવતું વાહન બાળકી પર ફરી વળતા બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે આ માર્ગ અકસ્માતમાં દાદીને ગંભીર ઈજાઓ પહોંચતા ડાકોર રેફરલ હોસ્પિટલ અને વધુ સારવાર માટે નડિયાદ રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અકસ્માત સંદર્ભે ઠાસરા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.