ખેડાઃ આર્થિક મામલો કે સામાજિક મુદ્દો, આખરે શું છે એવું કે જે વ્યક્તિને જીવન છોડવા પર મજબુર કરી દે છે. ઘણી વખત સાવ સામાન્ય કહી શકાય એવી વાતમાં આપઘાત કરતા લોકોમાં માનસિકતા નબળી જોવા મળે છે. ખેડા જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં એક માતાએ પોતાના જ સંતાનો સાથે જીવન ટૂંકાવી દીધું. મૃતદેહો જોવા મળ્યા હોવાની જાણ કરતા સેવાલિયા પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી.
તપાસ શરૂઃ આ મૃતદેહને સ્થાનિકોની મદદથી હોસ્પિટલ સુધી ખસેડાયો હતો. પોસ્ટમોર્ટમ માટે મોકલીને પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પહેલા બે બાળકો અને બાદમાં માતાનો મૃતદેહ મળી આવ્યો હતો. ગળતેશ્વર પાસેથી પસાર થતી મહી મુખ્ય કેનાલમાંથી બાળકનો મૃતદેહ મળી આવતા લોકો દોડી ગયા હતા. કેનાલ પર ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા. પછી પોલીસને જાણ કરાઈ હતી.
કોણ છે આ મહિલાઃ મૃતક મહિલા 23 વર્ષિય હિનાબેન રાઠોડ ગઈકાલે પોતાના પિયર જવાનું છે. તેમ જણાવી ઘરેથી નીકળી હતી.તે પોતાની સાથે ત્રણ વર્ષના પુત્ર જયરાજ અને પાંચ વર્ષની પુત્રી રિયાને પણ સાથે લઈને ઘરેથી નીકળી હતી. જે ત્રણેયના મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યા હતા. મહિલાના પરિવારજનોની પૂછપરછ તેમજ સમગ્ર કેસ બાબતે વિવિધ એંગલથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હત્યા,આત્મહત્યા કે અકસ્માત તે સહિતની વિસ્તૃત તપાસ પોલિસ દ્વારા હાથ ધરાઈ રહી છે.
આવી છે સ્થિતિઃ ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઠાસરા તાલુકાના ઉનાળિયાના મૃતક મહિલા હિનાબેનનો પતિ વિજયભાઈ રાઠોડ અમદાવાદ ખાતે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જે સવારે અમદાવાદ ખાતે જઈ સાંજે પરત ફરે છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, મહિલાની માનસિક સ્થિતિ નબળી હતી. જેને લઈ તે અવારનવાર ઘરેથી નીકળી જતી હતી. આજુબાજુના ગામમાંથી શોધી લાવવામાં આવતી હતી. આ વખતે પણ મહિલા પિયર જવાનું કહી ઘરેથી નીકળી હતી.