ખેડા : ખેડા તાલુકાના દેદરડાથી વાસણા ખુર્દ ગામ વચ્ચે વાત્રક નદી પર નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર તીવ્ર પ્રવાહમાં પાણીમાં વહી ગયુ હતું. જો કે બ્રિજના સ્લેબ નીચેના ટેકા પાણીમાં વહી ગયા હતા. બ્રિજને કોઈ નુકશાન થવા પામ્યું નથી. જે ઘટનાનો વિડીયો સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં કેદ કરતા હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થવા પામ્યો છે.
ઉપરવાસમાં વરસાદને પગલે નદી બે કાંઠે : ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખેડા જિલ્લાના છેવાડાના ગામો અને નદી કાંઠાના ગામો પ્રભાવિત થયા છે, ત્યારે વાત્રક નદી પણ બે કાંઠે વહી રહી છે. ખેડાના દેદરડાથી વાસણા ખુર્દ ગામ વચ્ચે વાત્રક નદી પર બની રહેલા નિર્માણાધીન પુલના સ્લેબ નીચેના ટેકા પાણીમાં વહી ગયા હતા. પાણીના તીવ્ર પ્રવાહના કારણે બ્રીજનું સ્ટ્રકચર એકાએક તૂટી પડ્યું હતું. બ્રીજનું સ્ટ્રકચર તૂટી પડતા પ્રવાહ સાથે તણાતું જોવા મળ્યું હતું.
વાત્રક નદી પર મોટા દેદરડાથી વાસણા ખુર્દ બ્રિજનું કામ ચાલુ છે. જેમાં આઠમા અને નવમા નંબરના ગાળા વચ્ચે જે ગર્ડરની કામગીરી ગત બે જૂનના રોજ પુર્ણ કરવામાં આવેલી છે. તેના નીચેના જે ટેકા હતા તે નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે એજન્સીને કાઢવામાં તકલીફ પડતા ટેકા જેમના તેમ રહ્યા હતા, પરંતુ ગઈકાલના રોજ પાણીનો પ્રવાહ વધુ વધી જવાથી ટેકા નીકળી ગયા હતા. બ્રિજને કોઈ નુકશાન નથી. અમારા ના.કા.ઈ તેમજ કાર્યપાલક ઇજનેર દ્વારા ગઈકાલના રોજ સ્થળ તપાસ કરવામાં આવેલ છે. હાલ પાણીના પ્રવાહને લઈને એજન્સીને કામગીરી કરવા લીધેલ નથી. પાણી ઓછું થશે અને ટેકા સ્ટેબલ રહી શકશે પછી જ સ્લેબની કાસ્ટિંગની કામગીરી ચાલુ કરાશે. - બી.જે. ઠક્કર (સેક્શન ઓફિસર, માતર પેટા વિભાગ)
વીડીયો વાયરલ થયો : સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિકોએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્ર પણ દોડતું થઇ ગયું હતું. મહત્વની વાત કરવામાં આવે તો, આ નદી પર પુલનું કામ પ્રગતિમાં અંતિમ ચરણોમાં છે. હાલ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આમ થયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ફક્ત બ્રીજનું સ્ટ્રકચર એકાએક તૂટી પડ્યું છે, બ્રિજને કોઈ નુકસાન થયું નથી તેમ જણાવી રહ્યા છે.