ખેડા : યુવા પેઢીમાં વિદેશ જવાની ઘેલછા દિવસે દિવસે વધી રહી છે. ત્યારે તેનો લાભ લઈ લેભાગુઓ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીનો ભોગ યુવાનો બની રહ્યા છે. આવો જ એક કિસ્સો ખેડા જિલ્લાના નડિયાદમાં સામે આવ્યો છે. જેમાં વિદેશ જવાની લાલચે નડિયાદનો એક યુવાન છેતરાયો હતો.
વિદેશ મોકલવાના નામે ઠગાઈ : આ અંગે મળતી માહિતી અનુસાર નડિયાદ ખાતે રહેતા ગોપાલસિંહ ઝાલા નામના યુવાને તેના મિત્ર ડો.જૈનમ શાહને પોતે પત્ની સાથે વિદેશ જવા ઈચ્છે છે તેવી વાત કરી હતી. જેને લઈ જૈનમે જણાવ્યુ હતું કે મારો મિત્ર સેલ્વીન રોબર્ટ મેકવાન વડોદરા ખાતે એન્જલ ઓવરસીઝની ઓફિસ ધરાવે છે. જે વિદેશ મોકલવાનું કામકાજ કરે છે. અમે બંને ભાગીદારીમાં કામ કરીએ છીએ અને તારૂ કામ ઝડપથી કરી આપીશું. તેમ કહી યુવકને વિશ્વાસમાં લઈ વિઝા અને વર્ક પરમીટના નામે સેલ્વીન રોબર્ટ અને જૈનમે પહેલા રૂ. 1 લાખ અને બાદમાં રૂ. 6 લાખ લીધા હતા.
પૈસા લઈ આરોપી ગાયબ : બાદમાં યુવકે વર્ક પરમીટ અને વિઝા બાબતે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યો નહોતો. ગોપાલસિંહે વડોદરા ઓફિસ જઈ તપાસ કરતા ઓફિસ બંધ હતી. જે બાદ વારંવાર ફોન પર સંપર્ક કરતા કોઈ યોગ્ય જવાબ આપ્યો નહોતો. જે બાદ સેલ્વીનના મિત્ર ફ્રેડીભાઈએ ગોપાલસિંહ સાથે વાતચીત કરી તમારું કામ થઈ જશે સેલ્વીને ઘણાને વિદેશ મોકલ્યા છે. તમારું કામ હું કરાવી દઈશ. તમારા પૈસા પરત આપવાની જવાબદારી હું લઉ છું તેમ જણાવ્યું હતું.
વિઝાનું કામ કરી આપવા માટે ત્રણ આરોપીઓએ ફરિયાદી પાસેથી 7 લાખ રૂપિયા લીધા અને વોટ્સએપથી વર્ક પરમિટ તેમજ વિઝા એપ્રુવલ લેટર મોકલ્યો હતો. જેની ફરિયાદીએ ઓનલાઈન ખાતરી કરતાં એ ખોટા હોવાનું જણાઈ આવતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે. -- ડી. એન. ચુડાસમા (PI, ખેડા SOG)
કુલ 16 લોકોને લાગ્યો ચૂનો : ત્યારબાદ સેલ્વીને વર્ક પરમિટ અને વિઝા એપ્રુવલ લેટર વોટ્સએપ દ્વારા યુવકના મોબાઈલ પર મોકલ્યા હતા. જેની ગોપાલસિંહે ઓનલાઈન ખરાઈ કરતા તે બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. જે દરમિયાન સેલ્વીને અન્ય 16 વ્યક્તિઓ સાથે પણ આવી છેતરપિંડી કરી હોવાનું જણાયું હતું. જેને લઈ ગોપાલસિંહ સહિત તમામ ભોગ બનનાર લોકોએ સેલ્વીન સાથે સમાધાન કર્યું હતું. તેમજ સેલ્વીને રૂપિયા પરત આપવાની બાંહેધરી આપી હતી. જેના ઘણા સમય બાદ પણ રૂપિયા પરત આપ્યા નહોતા.
પોલીસ ફરિયાદ : રૂપિયા પરત ન મળતા ભોગ બનનાર યુવાન ગોપાલસિંહ દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને લઈ પોલીસ દ્વારા વડોદરાના એન્જલ ઓવરસીઝના સેલ્વીન રોબર્ટ મેકવાન તેના મિત્ર ફ્રેડીભાઈ તેમજ નડીયાદના ડો.જૈનમ શાહ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ડો.જૈનમ શાહ પણ ક્લિનીકને તાળું મારી ફરાર થઈ ગયો છે. હાલ ત્રણેય ફરાર આરોપીને ઝડપી પાડવા સહિતની આગળની કાર્યવાહી ખેડા SOG પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
રુ. 7 લાખ પડાવ્યા : ખેડા SOG પોલીસના PI ડી. એન. ચુડાસમાએ જણાવ્યુ હતું કે, વિઝાનું કામ કરી આપવા માટે ત્રણ આરોપીઓએ ફરિયાદી પાસેથી 7 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ આરોપીએ વોટ્સએપથી વર્ક પરમિટ તેમજ વિઝા એપ્રુવલ લેટર ફરિયાદીને મોકલ્યો હતો. જેની ફરિયાદીએ ઓનલાઈન ખાતરી કરતાં એ ખોટા હોવાનું જણાઇ આવેલ. જેથી ફરિયાદીએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપેલ છે.