ખેડા : ખેડા જિલ્લાના એક ગામમાં નરાધમ દ્વારા પોતાની જ પત્ની પર મિત્ર પાસે દુષ્કર્મ કરાવ્યુ હતું. જે મામલામાં કપડવંજ કોર્ટ દ્વારા બે આરોપીઓને 10 વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી છે. કપડવંજના એક ગામમાં રહેતા નરાધમે પોતાની પ્રથમ પત્નીથી સંતાન ન થતા બીજા લગ્ન કર્યા હતા. બાદમાં પોતાની બીજી પત્નીને મિત્રને ઘેર લઈ જઈ મિત્રને તેના ઉપર દુષ્કર્મ આચરવા કહ્યું હતું. પત્નીએ વિરોધ કરતા તે બુમો ના પાડે તે માટે મિત્ર દુષ્કર્મ આચરતો હતો ત્યારે પતિએ પત્નીનું મોઢું દબાવી રાખ્યું હતું.

કપડવંજ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ :પતિના જ કારણે દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાને તેના કારણે ગર્ભ રહ્યા બાદ આ મામલે કપડવંજ પોલીસમથકે પતિ અને તેના મિત્ર વિરૂધ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ચૂકાદો આપતાં કપડવંજ સેસન્સ કોર્ટે બન્ને આરોપીઓને 10 વર્ષની કેદ અને દંડની સજા ફરમાવી હતી.
સંતાન ન થતાં બીજા લગ્ન કર્યાં હતાં :કપડવંજ તાલુકાના ગામમાં રહેતા ભગવાન કલાજી પરમારના લગ્ન થયા બાદ તેને સંતાન ન હોવાથી પ્રથમ પત્નીની હયાતી હોવા છતાં બીજા લગ્ન કર્યા હતા. ત્યારબાદ આરોપી ભગવાન પરમારે પોતાના મિત્ર રવિન્દ્ર ઉર્ફે રવિ તલપતસિંહ ઝાલા ( રહે . કાલેતર , તા.કઠલાલ ) પાસે ગત તા.26 મે 2019ના રોજ દુષ્કર્મ કરાવ્યું હતું.આ સમયે પત્નીએ વિરોધ કરતા પત્નીનું મોઢું ભગવાન પરમારે દબાવી રાખ્યું હતું. ત્યારબાદ બન્ને આરોપીઓ ભેગા મળી લવારપુરા ગામે તેમજ કાલેતર ગામે દુષ્કર્મ આચર્યું હતું. આ દરમ્યાન તેણીને ગર્ભ રહેતા પોતાના પતિ તથા તેના મિત્ર વિરૂદ્ધ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
બંને નરાધમોને કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા ફરમાવી : આ મામલો કપડવંજ સેસન્સ જજ વી.પી. અગ્રવાલની કોર્ટમાં સરકારી વકીલ મીનેષ આર. પટેલે પીડિતાને ન્યાય અપાવવા આરોપીઓને સખત સજા કરવા દલીલો કરી હતી. મીનેષ પટેલે જણાવ્યું હતું કે દલીલો તથા 8 સાહેદોના પુરાવા તથા 33 થી વધુ રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ ગુનાનું વધતું જતું પ્રમાણ અટકાવવાના ન્યાયપાલિકાની પવિત્ર ફરજ બનતી હોય અને સમાજમાં ઓછા ગુના બને વિગેરે કારણોને ધ્યાને લઈને કોર્ટે ભગવાન પરમાર તથા રવિન્દ્ર ઉર્ફે રવિ ઝાલાને ઈપીકો કલમ 376( 2 ) ( F ) ( K ) ( N ) ના ગુનામાં તકસીરવાન ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા તથા આરોપી દીઠ રૂ.10,000 મળી બન્ને આરોપીઓને રૂ.20,000નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો.