ખેડા : જિલ્લાના કઠલાલ ખાતે સભાને સંબોધતા વડતાલ ધામના સંત નૌતમ સ્વામી અચાનક ઢળી પડ્યા હતા. જેને પગલે ઉપસ્થિત લોકો સૌ ચિંતિત બન્યા હતા. નૌતમ સ્વામીને ચક્કર આવવાના કારણે તેઓ ઢળી પડ્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જોકે નૌતમ સ્વામી ઢળી પડવાના કારણે શરીર પર નાની એવી ઈજા થઈ હતી.
જય શ્રી રામના નારા લગાવતા ઢળી પડ્યા : કઠલાલ ખાતે હિન્દુ ધર્મ સેનાના પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહમાં નૌતમ સ્વામી સભાને સંબોધી રહ્યા હતા. જે દરમિયાન તેઓ જય શ્રી રામના નારા લગાવતી વખતે અચાનક ઢળી પડ્યા હતા. જે ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. પરંતુ હાલ મળતી માહિતી પ્રમાણે નૌતમ સ્વામીની તબિયત સ્થિર છે. અચાનક ઢળી પડવાના કારણે તેમને કમરમાં સામાન્ય ઈજા પહોંચી છે. જેને લઈ હાલ તેઓ આરામમાં છે.તેઓ તંદુરસ્ત છે.
દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો : કઠલાલ શહેરમાં આવેલા કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિંદુ ધર્મ સેના પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નૌતમ સ્વામી, અધ્યક્ષ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ વડતાલ ધામ, અવિચલ દાસજી રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ, નિવાસદાસ મહારાજ, રામેશ્વરદાસ મહારાજ, મહંત અનિરુદ્ધ ગિરી મહારાજ આ તમામ સંતોની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ સહિત તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કઠલાલ શહેર અને તાલુકાના 700થી વધુ કાર્યકરો જોડાયા હતા. તેમજ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી વીડિયોના માધ્યમથી જોડાયા હતા.