ખેડા: નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલ ખાતે સારવાર મેળવી રહેલા કોરોનાના ચાર દર્દીઓનો શનિવારે રિપોર્ટ નેગેટીવ આવતા તેમને રજા આપવામાં આવી છે. નડિયાદ તેમજ જિલ્લાના જુદાજુદા વિસ્તારના ચાર દર્દીઓએ કોરોનાને માત આપતા તેમને હોસ્પિટલમાંથી વિદાય આપવામાં આવી હતી.
ચાર દર્દી પૈકી એક સાડાત્રણ વર્ષનો પરમ સોલંકી તેના પિતા સાથે હોસ્પિટલમાંથી ઘરે ગયો હતો. તેના પિતાએ જણાવ્યું હતું કે અમારા દિકરાનો ફરીથી જન્મ થયો હોય તેવું લાગે છે.હોસ્પિટલના ડોક્ટર સહિત તમામ સ્ટાફનો અમારા દીકરા પ્રત્યેના સ્નેહાળ વર્તાવને અમે જિંદગીભર યાદ રાખીશું.હોસ્પિટલના ડોક્ટર તેમજ સ્ટાફ દ્વારા તમામ દર્દીઓને ફૂલ આપી અને તાળી વગાડી વિદાય આપવામાં આવી હતી.સાથે જ સારા સ્વાસ્થ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
મહત્વનું છે કે એક તરફ જિલ્લામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે.ત્યારે દર્દીઓના સાજા થવાનું પ્રમાણ પણ વધવા પામ્યું છે.જિલ્લામાં થોડા દિવસ અગાઉ 82 વર્ષના વૃદ્ધા બાદ શનિવારે સાડા ત્રણ વર્ષીય બાળકને રજા આપવામાં આવી છે.