ખેડા: જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલ આજે વસો અને નડિયાદ શહેરના કન્ટેન્મેન્ટ એરીયાની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે નાગરીકોની અવર-જવર, પોલીસ બંધોબસ્ત તેમજ કન્ટેન્મેન્ટ એરીયાના નાગરીકોને જરૂરી જીવન જરૂરીયાતની વસ્તુઓ મળી રહે છે કે નહિ તે અંગે પૂછપરછ કરી હતી અને સરકારી નિયમોનું ચૂસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું.
ખેડા જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલ દ્વારા આ વિસ્તારના નાગરિકોને ધન્વતરી રથના માધ્યમથી જરૂરી આયુર્વેદિક તેમજ હોમીયોપેથીક દવાઓ પુરી પાડવાની સૂચના તાલુકા હેલ્થ ઓફિસર વિપુલ પટેલને આપી હતી. તેમજ આ વિસ્તારમાં ઘરે ઘરે નાગરિકોના આરોગ્યની ચકાસણી કરવા જણાવ્યું હતું.
કલેક્ટર આઇ.કે.પટેલ દ્વારા આ વિસ્તારમાં સઘન પોલીસ બંધોબસ્ત ગોઠવવા તેમજ કોરોનાનો સંક્રમણ વધુ ફેલાય નહિ તે માટે ત્યાં ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. આ કાર્યમાં જિલ્લા આરોગ્ય અધિકારી ઠાકર, મામલતદાર ક્રિસ્ટ્રી, અર્બન હેલ્થ ઓફિસર અને સ્ટાફ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.