- ખેડામાં દીપડાએ બાળક પર કર્યો હુમલો
- ભેખડોમાં સંતાયેલા દીપડાએ બાળકને બનાવ્યો શિકાર
- વન વિભાગે દીપડાની શોધખોળ શરૂ કરી છે
ખેડાઃ ઠાસરા તાલુકાના સાંઢેલી ગામના પરા વિસ્તાર જીભઈના મુવાડામાં અચાનક દીપડો આવી ગયો હતો. દીપડાએ ગામના યુવરાજ નામના 15 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો, જેમાં બાળકને માથા અને મોઢા પર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. હુમલો કરી દીપડો ભાગી ગયો હતો અને નજીકના ભેેખડોમાં ભરાયો હતો.
પોલીસ અને વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
આ સમગ્ર ઘટનાની જાણ થતા ઠાસરા પોલીસ અને વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગ્રામજનોમાં ભયનો માહોલ ન સર્જાય તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા દીપડાના પંજાના નિશાન શોધી પગેરૂ મેળવી દીપડો કે અન્ય પ્રાણી છે તે બાબતની તપાસ હાથ ધરી છે.
ગ્રામજનોમાં ફેલાયો ભયનો માહોલ
ગામમાં અચાનક દીપડાના હુમલાને લઈને સાંઢેલી અને આસપાસના ગામોમાં ભય અને ડરનો માહોલ ફેલાયો છે. ગ્રામજનોએ દીપડાને નજીકના ભેખડમાં સંતાયો હોવાનું જોતા ડર ફેલાયો છે.