- ખેડા જિલ્લા ભાજપના નવા નિયુક્ત જિલ્લા પ્રમુખે ચાર્જ સંભાળ્યો
- નડીયાદ ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખનો પદગ્રહણ સમારંભ યોજાયો
- પ્રમુખનું પદ એ સામૂહિક જવાબદારી છે: પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ
નડીયાદ: જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત જિલ્લા પ્રમુખ અર્જુન સિંહ ચૌહાણનો પદગ્રહણ સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ અને ખેડા જિલ્લા પ્રમુખ તરીકે બેવડી જવાબદારી સંભાળનાર દેવુસિંહ ચૌહાણે પ્રમુખપદની જવાબદારી સુપરત કરતા અર્જુન સિંહ ચૌહાણને આશીર્વાદ અને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના શિર્ષસ્થ નેતૃત્વએ ખેડા જિલ્લા ભાજપનું સંકલન અર્જુન સિંહ ચૌહાણને સોંપ્યું છે. ત્યારે સંગઠન વધુ મજબૂત બનશે અને તે દિશામાં કાર્ય કરવા તથા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સહિતની ચૂંટણીઓમાં પણ વધુ કમળ ખીલે તેવા સંનિષ્ઠ પ્રયત્નો કરવા સૌ હોદ્દેદારો કાર્યકરોને હાકલ કરી હતી. વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે અર્જુન સિંહ ચૌહાણ જિલ્લા મહામંત્રી હતા અને ભાજપના પ્રદેશ નેતૃત્વએ તેમને જિલ્લા ભાજપ પ્રમુખપદની નવી જવાબદારી સોંપી છે. સંઘના કાર્યાલયમાંથી તેમનું ઘડતર થયું છે, ત્યારે તેમના નેતૃત્વ હેઠળ આપણે દરેકે હવે આગામી ચૂંટણીઓમાં બુથ લેવલ સુધી કામગીરી કરવાની છે.
'હું હંમેશા કંઈક નવું શીખતો આવ્યો છું અને શીખતો રહીશ'
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખપદનો નવો કાર્યભાર સંભાળતા ધારાસભ્ય અર્જુન સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સંઘનો કાર્યકર છુ, શીખતો આવ્યો છું શીખ્યો છું અને શીખતો રહીશ. ભાજપના ટોચના નેતૃત્વએ મારી પર જે વિશ્વાસ મુક્યો છે, તે બદલ આભાર માનતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રમુખનું પદ એ સામૂહિક જવાબદારી છે. આ જવાબદારી મને એક ને નહીં પરંતુ તમામ કાર્યકરોને મળી છે, હું તો માત્ર નિમિત્ત છું સૌ કાર્યકરોએ આ જવાબદારી સૌના સાથ સૌના વિકાસ માટે ઉપાડવાની છે.
આ પ્રસંગે જિલ્લા ભાજપના વર્તમાન તેમજ પૂર્વ હોદ્દેદારો, મહિલા મોરચાના હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહી નવનિયુક્ત જિલ્લા પ્રમુખ અર્જુન સિંહ ચૌહાણને શુભેચ્છાઓ પાઠવી હતી.