ખેડાઃ જિલ્લાના હોમગાર્ડ સભ્યો દ્વારા મુખ્યપ્રધાન રાહત ફંડમાં રૂપિયા 4,11,111નુ યોગદાન આપવામાં આવ્યું હતું. રાજ્યમાં હોમગાર્ડ દ્વારા સૌથી વધુ નાણાંનું યોગદાન આપીને ખેડા જિલ્લાએ રેકોર્ડ કર્યો છે. કમાન્ડન્ટ મહેશભાઈ મહેતાની રાહબારી હેઠળ 1370 જેટલા જવાનો જિલ્લામાં હાલ ફરજ બજાવી રહ્યા છે. આ ફાળો નડીયાદમાં જિલ્લા કલેક્ટરને અર્પણ કરાયો હતો.
હાલ સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારીથી અસરગ્રસ્ત છે, જેની સામે લડવા માટે સમગ્ર ભારત દેશમાં આબાલ-વૃદ્ધ સૌ કટિબદ્ધ બન્યા છે. રાજ્ય સરકારના આદેશથી ખેડા જિલ્લા હોમગાર્ડઝ દળના 1370 જવાનો પણ હાલમાં સમગ્ર જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે, ત્યારે આ હોમગાર્ડ સભ્યો દ્વારા જિલ્લા કમાન્ડન્ટ મહેશભાઈ મહેતાની મુખ્યપ્રધાન રાહત ફંડમાં યોગદાન આપવા માટેની અપીલને ધ્યાનમાં લઈ પોતાનું એક દિવસનું માનદ વેતન સૌ સભ્યોએ અર્પણ કર્યું છે. જેના પરિણામે રૂપિયા 4,11,111નો ફાળો ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા મુખ્યપ્રધાન રાહત ફંડમાં અર્પણ કરાયો હતો. જે સમગ્ર રાજ્યમાં હોમગાર્ડ ધરાવતા જિલ્લાઓમાં સૌથી વધુ ફાળો હોવાનું સ્પષ્ટપણે ફલિત થઇ રહ્યું છે. હોમગાર્ડ સભ્યોએ વૈશ્વિક મહામારીમાં સરકારને મદદરૂપ થવા માટે ફૂલ નહીં પરંતુ ફુલની પાંખડી સમાન ફાળો અર્પણ કરીને દેશ સેવા કરવા માટેનો સંકલ્પ સાકાર કર્યો છે.