નડિયાદ: ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી કોવિડ-19ની એન.ડી.દેસાઈ હોસ્પિટલમાંથી આજે ચાર દર્દીઓને રજા આપવામાં આવી છે.
હોસ્પિટલમાંથી સારવાર લઇને સાજા થતા દર્દીઓએ હોસ્પિટલના ડૉક્ટર તથા સ્ટાફની સરાહના કરી હતી.
નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલને ખેડા જિલ્લા માટેની કોવિડ હોસ્પિટલ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં ખેડા જિલ્લાના દર્દીઓને દાખલ કરવામાં આવે છે.
આ હોસ્પિટલમાંથી આજે નડિયાદના ચાર દર્દીઓને રજા આપવામાં આવી હતી. જેમાં 38 વર્ષીય કમલેશભાઈ.આર.ગામેચી, 24 વર્ષીય સેજલબેન.એ.ક્રિશ્ચિયન, 32 વર્ષીય જીગ્નેશભાઈ.એસ.સરગરા અને મયંકભાઈ.એ.ઠાકરને આજે બપોરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ચારેય દર્દીઓએ જણાવ્યું હતું કે, કોરોનાથી ગભરાવવાની જરૂર નથી. આ રોગમાં તથા રોગ થતો અટકાવવા સરકારની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવે, માસ્ક અવશ્ય પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવે તો આ રોગ થશે નહીં. આ રોગથી બચવા માટે આ રામબાણ ઈલાજ છે.
ડૉક્ટર તથા સ્ટાફ દ્વારા દર્દીઓને ફૂલ આપી વિદાય આપવા સાથે સારા સ્વાસ્થ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.