- મહુધા કુમાર પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર સહિતના સાધનોની ચોરી કરનારા 4 આરોપીઓ ઝડપાયા
- મહુધા પોલીસ દ્વારા રિક્ષા સાથે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરાઈ
- જિલ્લામાં વિવિધ પ્રાથમિક શાળાઓમાંથી ચોરી કરતી ગેંગ સક્રિય
ખેડા: જિલ્લાના મહુધાની કુમાર પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર સહિતના સાધનોની ચોરી કરનારા ચાર આરોપીઓને મહુધા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ અન્ય ચોરી કે ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ? તે સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
21 ઓગસ્ટના રોજ થઇ હતી ચોરી
મહુધા કુમાર પ્રાથમિક શાળામાંથી ગત 21 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે લેપટોપ, ડેસ્કટોપ, કોમ્પ્યુટર પ્રિન્ટર, યુપીએસ સહિતના સાધનોની ચોરી થઇ હતી. જે મામલે ગુનો નોંધી મહુધા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન મળેલી બાતમીને આધારે મહુધા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી. કે. ખાંટ તથા PSI એમ. એસ. પઠાણ તેમજ સ્ટાફના માણસો દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.
રિક્ષામાં રહેલા ઈસમોની સઘન પૂછપરછ કરવામાં આવી
આ વોચ દરમિયાન મહુધાથી ઉંદરા જવાના રોડ પર મહુધા ફાટક નજીક આવતી CNG રિક્ષા ઉભી રખાવી રિક્ષાચાલકનું નામઠામ પૂછ્યું હતું. જે બાદ શંકા જતા રિક્ષામાં રહેલા ઈસમોની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેમને ગત 21 ઓગસ્ટના રાત્રિના સમયે મહુધા પ્રાથમિક કુમાર શાળામાંથી લેપટોપ, ડેસ્કટોપ, પ્રિન્ટર, યુપીએસ તેમજ મોનિટર સહિતના સાધનોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
આરોપીઓ અન્ય ચોરી તેમજ બીજા ગુનામાં સંડોવાયેલા છે કે કેમ?
આરોપીઓની કબૂલાતને આધારે પોલીસ દ્વારા ઓટો રિક્ષા જપ્ત કરી તમામ ચાર આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓ અન્ય ચોરી તેમજ બીજા ગુનામાં સંડોવાયેલા છે કે કેમ? તે સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જિલ્લામાં શાળામાંથી ચોરી કરતી ગેંગ સક્રિય હોવાથી પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ
મહત્વનું છે કે, જિલ્લામાં વિવિધ પ્રાથમિક શાળાઓમાંથી કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતના સાધનોની ચોરી કરતી ગેંગ છેલ્લા ઘણા સમયથી સક્રિય છે. ત્યારે આ ગેંગને ઝડપી પાડવામાં મહુધા પોલીસને મહત્ત્વની સફળતા મળી છે.