ખેડાઃ નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને બિલ્ડર દિલીપ શેઠે (દિલીપ રમણીકલાલ શાહ) ગુરૂવારે બપોરે નડિયાદ તાલુકાના ગુતાલ ખાતે આવેલા પોતાના ફાર્મ હાઉસ ખાતે આત્મહત્યા કરી હતી. તેઓએ પોતાના ફાર્મ હાઉસ પર પહોંચી પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી માથાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી હતી.
ફાયરિંગનો અવાજ સાંભળતા ચોકીદારે દોડી આવીને જોતા ખાટલા પર રિવોલ્વર પડેલી હતી. જેની બાજુમાં મૃતદેહ પડેલો મળી આવ્યો હતો. ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં તેઓએ આત્મહત્યા કરી હોવાનું જણાઈ આવ્યું છે. જો કે, આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસને સુસાઇડ નોટ પણ મળી આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. આર્થિક સંકડામણને કારણે તેમણે અંતિમ પગલું ભર્યું હોય તેમ માનવામાં આવી રહ્યું છે.