ખેડા: જિલ્લામાં શંકાસ્પદ આયુર્વેદિક સિરપ પીવાથી 6 લોકોના મોત થઈ ચૂક્યા છે. જેને લઈ તંત્ર દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. જેમાં નડિયાદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ, SOG PI, નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના PI તેમજ મહેમદાવાદના PSIનો સમાવેશ કરવામાં આવ્યો છે.
લોકોને જાગૃત કરવા અપીલ: ખેડામાં આયુર્વેદિક સિરપ પીવાથી 6 લોકોના મોત થયા છે, ત્યારે લોકો આવા જીવલેણ સિરપનો ઉપયોગ કરતાં અટકે તેને લઈ વ્યાપક જાગૃતિ ફેલાવા તેમજ તેનું વેચાણ અટકે તે માટે પોલીસ દ્વારા આયુર્વેદિક સિરપના ફોટા સાથે સોશિયલ મીડિયામાં લોકોને અપીલ કરવામાં આવી રહી છે. જેમાં આસપાસ આ પ્રકારના આયુર્વેદિક સિરપનું વેચાણ થતું હોય તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. સમગ્ર મામલે ભાજપના તાલુકા કોષાધ્યક્ષની સંડોવણી બહાર આવતાં પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
બે ખાનગી હોસ્પિટલોને નોટિસ: ખેડા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા નડિયાદની મહાગુજરાત અને મહેમદાવાદની વેદ હોસ્પિટલને બેદરકારી બદલ નોટિસ ફટકારવામાં આવી છે. આયુર્વેદિક સિરપ પીવાથી અસરગ્રસ્તોને સારવાર આપ્યા બાદ મોત થતાં પરિવારને મૃતદેહ સોંપી દેવાયો હતો. પોલીસ કે આરોગ્ય વિભાગને કોઈપણ જાણકારી હોસ્પિટલ દ્વારા અપાઈ ન હતી. શંકાસ્પદ મોત મામલે પોલીસ અને આરોગ્ય તંત્ર અજાણ હતું. જેને લઈ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વી.એ.ધ્રુવ દ્વારા નોટિસ આપવામાં આવી છે.
હોસ્પિટલો દ્વારા મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની કે પોસ્ટમોર્ટમ કરાવવા માટે મોકલવાની તસ્દી લેવામાં આવી નહોતી. જે બેદરકારીને કારણે તેમને એપેડેમિક એક્ટની કલમ અનુસાર નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે. જેથી ભવિષ્યમાં કોઈ પણ સમયે આવી ભુલ ન થાય. - ડો.વી.એ.ધ્રુવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, નડિયાદ