- RBIની કામગીરીની વિસ્તૃત માહિતી અપાઈ
- ડિઝિટલ અવરનેશ અંગે જાણકારી અપાઈ
- વિજેતાઓને ઈનામ વિતરણ કરાયું
ખેડાઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાંકીય સાક્ષરતા જાગૃતિ સપ્તાહ અન્વયે જ્ઞાન વૃદ્ધિ કાર્યક્રમનું આયોજન મહુધાની એમ. ડી. કોમર્સ એન્ડ બી. ડી. પટેલ આર્ટસ કોલેજ ખાતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, અમદાવાદના DGM વિજય રૈનાના અધ્યક્ષ સ્થાને એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેમજ કોલેજની છાત્રાઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.
RBIની કામગીરી અંગે વિસ્તૃત માહિતી અપાઈ
RBIના DGM વિજય રૈનાએ બેકિંગ સિસ્ટમની પદ્ધતિ, RBIની કામગીરી, RBI અને ગર્વનમેન્ટ તેમજ RBI અને અન્ય બેંકના સંબંધો તથા કામગીરીની વિસ્તૃત છણાવટ કરી હતી. તેમજ ઉપસ્થિત નગરજનો અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનો સરળ અને વિસ્તૃત છણાવટ સાથે જવાબો આપ્યા હતા. તેમને પ્રશ્નોતરીના માધ્યમથી પણ વિવિધ રજૂઆતોનો સરળ શૈલીમાં જવાબો આપ્યા હતા.
ડિઝિટલ અવેરનેશ અંગે જાણકારી અપાઈ
ડિઝિટલ અવેરનેશ અંગે વક્તવ્ય આપતા RBIના AGM શિલાદેવીએ જણાવ્યું કે, આજકાલ બેંક ફ્રોડના કિસ્સાઓ વધ્યા છે, ત્યારે દરેક બેંક હોલ્ડર્સે તેમાં વિશેષ કાળજી રાખવાની જરૂર છે. તેમને રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલા હોશિયાર બનો, સમજદાર બનો અને જવાબદાર બનો નામના સ્લોગન વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને નાણાંકીય બાબતોમાં ખુબ જ કાળજી રાખવા પર ભાર મૂકયો હતો.
મહાનુભાવોના હસ્તે વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું
નાણાંકીય સાક્ષરતા વિષે મેનેજર પિયુષ ભટ્ટે જણાવ્યું હતું કે, બેંક દ્વારા આપવામાં આવતા વીમા કવચ, ATM કાર્ડ, PIN નંબર વગેરે બાબતોની સમજણ આપી હતી અને બેંક દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રકારની સગવડો અને ધિરાણોની સવિસ્તર માહિતી આપી હતી. જો કોઇને બેંકના પ્રશ્રનો હોય તો તે અંગે ખેડા જિલ્લાના નાણાંકીય સાક્ષરતા કેન્દ્રના અધિકારી પંકજભાઇ ભટ્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. રિઝર્વ બેંક, અમદાવાદના મેનેજર એન્ડ LDO ગગનપ્રીત કૌરએ કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી કરી હતી અને મહાનુભાવોના હસ્તે વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું હતું.
RBI દ્વારા કોલેજને રમત ગમતના સાધનો ભેટ આપવામાં આવ્યા
BOB ખેડાના AGM એન્ડ RM હેમેન્દ્ર ચોકસીએ જણાવ્યું હતું કે, બેંકો દ્વારા કરવામાં આવતી કામગીરીની રૂપરેખા આપી હતી. તેમજ બેંકનું માળખું સમજાવી જે તે બેંક એકાઉન્ટ હોલ્ડરને કેવી રીતે ઝડપથી બેંકની વિવિધ સેવાઓ મળી રહે તેની પદ્ધતિ સમજાવી તેને અનુસરવા અનુરોધ કર્યો હતો. જેથી બેંકનો અને બેંકના ખાતા હોલ્ડરનો સમય બચે. આ પ્રસંગે RBI દ્વારા કોલેજને રમત ગમતના સાધનો ભેટ આપવામાં આવ્યા હતા.