- પાટોત્સવ નિમિત્તે ઠાકોરજીને વિશેષ શણગાર
- નવનિર્મિત મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠાને 250 વર્ષ થયા
- દર્શન માટે ભાવિકો ઉમટ્યા
ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાયજી મંદિરના 250માં પાટોત્સવની ગુરુવારે ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ દિવ્ય પ્રસંગે મંદિરમાં બિરાજેલા રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનને મંગળા આરતી બાદ પંચામૃત સ્નાન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
ઠાકોરજીને વિશેષ શણગાર કરી મહાભોગ આરતી કરાઈ
પાટોત્સવ નિમિત્તે મંદિરમાં સવારે 6.45 કલાકે મંગળા આરતી થયા બાદ ભગવાનને સુવર્ણથી મઢેલા શંખ વડે પંચામૃતથી સ્નાન કરાવવામાં આવ્યું. ત્યારબાદ શ્રી ઠાકોરજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો. બપોરે 1 કલાકના અરસામાં મહાભોગની આરતી (કપુર આરતી) ઉતારવામાં આવી હતી. આ દર્શનનો લાભ લેવા વૈષ્ણવો તથા શ્રધ્ધાળુઓ ડાકોરમાં ઉમટી પડ્યા હતા. આખો દિવસ ભકતોના અવિરત પ્રવાહ સાથે મંદિર જય રણછોડના નાદથી ગુંજતું દેખાયું હતું.
આ પણ વાંચો: ડાકોર રણછોડરાયજી મંદિરમાં 249મો પાટોત્સવ ઉજવાયો
ઠાકોરજી મંદિરનો 250માં વર્ષમાં મંગળ પ્રવેશ
ડાકોરના ભક્તરાજ બોડાણા સાથે ભગવાન દ્વારકાધીશ દ્વારકાથી કારતકી પૂર્ણિમા સંવત 1212માં ડાકોર આવ્યા હતા. ભગવાન બોડાણાના ઘરે પધરામણી કરી હતી. ત્યાર બાદ અંદાજે 1500ની સાલમાં લક્ષ્મીજીના મંદિરે ભગવાનની સ્થાપના કરાઈ હતી. ત્યાર બાદ વૈષ્ણવ ભકત ગોપાલરાવ તાંબવેકર દ્વારા શિખરબદ્ધ મંદિરનું નિર્માણ થયા બાદ આ નવનિર્મિત મંદિરમાં લક્ષ્મીજી મંદિરના સ્થાનેથી ભગવાન રણછોડરાયની પ્રતિષ્ઠા મહા વદ પાંચમ સંવત 1828 (ઇ.સ.1772)ના રોજ કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠા થયે 249વર્ષ પૂર્ણ થઇને 250માં મંગલ પ્રવેશ થાય છે.
રણછોડરાય દર શુક્રવાર અને અગિયારસે લક્ષ્મીજીના મંદિરે જાય છે
સંવત 1828 પહેલા ઠાકોરજીનું સ્થાન હાલના લક્ષ્મીજી મંદિરમાં હતું. જ્યારે નવું મંદિર બનાવવામાં આવ્યુ ત્યારે ભગવાન રણછોડરાય નવા મંદિરમાં આવીને બિરાજમાન થયા હતા. ત્યારે તેમણે લક્ષ્મીજીને તે સમયે વચન આપ્યુ હતું કે, દર શુક્રવારે અને અગિયારસે તે લક્ષ્મીજીનેે મળશે. આ વચનની પરંપરા મુજબ હાલમાં પણ મંદિરના રાજા રણછોડરાય દર શુક્રવાર અને અગિયારસે વાજતે ગાજતે લક્ષ્મીજીના મંદિરે જાય છે.