વડતાલધામમાં પુષ્પ શણગારનું કરાયું આયોજન
15 કલાકની સતત મહેનતથી તૈયાર કરાયો શણગાર
ફૂલોમાં શોભાયમાન દેવોના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી
ખેડા: સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલ મંદિરમાં બિરાજમાન આરાધ્ય ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ શ્રી લક્ષ્મી નારાયણદેવ સહિતના દેવોને સપ્તરંગી પુષ્પોની ગુંથણી કરીને પુષ્પના વાઘાથી શણગારવામાં આવ્યા હતા.
વિવિધ પ્રકારના 151 કિલો ફૂલોનો શણગાર
વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામી અને કોઠારી ડૉ.સંત વલ્લભદાસજીની પ્રેરણાથી દેવોને પૂજારી સ્વયં નિતનવા શણગાર કરે છે. જે મુજબ ફૂલોનો શણગાર કરાયો હતો. જેમાં મોગરો, તગડ, ગુલાબ, જરબેલા, કમળ, કરેણ, ઓરચીડ, લીલી વગેરે 151 કિલો ફૂલ પાંખડીઓથી નયનરમ્ય ગુંથણી કરવામાં આવી હતી.
15 કલાકની સતત મહેનતથી તૈયાર કરાયો શણગાર
23 સંત, 25 ભક્તો અને 25 મહિલાઓએ મળીને 15 કલાકની સતત અને સખત મહેનતના ફળસ્વરુપે આ શૃંગાર તૈયાર કર્યા હતા. તાજાપુષ્પો મંગાવીને વાઘા બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. સતત કામ કરીને નાજુક ફુલડાઓની કોમળ પાંખડીઓ છુટી પાડીને અસ્તરના કાપડ પર ચોંટાડી હતી. ઝાઝા હાથ રળિયામણા ઊક્તિ પ્રમાણે સુરત ગુરુકુલથી સંતો અને સ્વયં સેવકોની ટીમ આવી હતી. 15 કલાકની મહેનત બાદ પ્રોફેશનલ કારીગરોથી વધુ સારું ફીનિશંગ કરાયું હતું.
ફૂલોમાં શોભાયમાન દેવોના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી
આ શણગારના દર્શન કરી વડતાલ ગાદીના રાકેશપ્રસાદજી મહારાજે કલાસંયોજક સંતો-ભક્તોને બિરદાવ્યા હતા. મંદિર ખાતે ભાવિકોએ મોટી સંખ્યામાં દર્શન કર્યા હતા. જ્યાં ફૂલોમાં શોભાયમાન દેવોના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.