ખેડા: ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરને રાજ્ય માહિતિ આયોગ દ્વારા રૂપિયા 15 હજારનો દંડ કરવામાં (Dakor Municipal Chief Officer fined Rs.15 thousand) આવ્યો છે. માહિતિ અધિકાર કાયદા હેઠળ અરજદાર દ્વારા માંગવામાં આવેલી માહિતી નહીં આપતા જાહેર માહિતી અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફીસર સંજય પટેલને દંડ કરવામાં આવ્યો હતો.
આધાર પુરાવા સાથેની વિવિધ માહિતી: ડાકોરના નાગરિક રાજેશ.આર.ચાવડાએ 31 જુલાઈ 2021ના રોજ મિલકતના નામ ટ્રાંસફર બાબતની કાર્યવાહીની આધાર પુરાવા સાથેની વિવિધ માહિતી માંગી હતી. જે બાબતે સંતોષકારક જવાબ ન મળતા તા.16-9-2021 ના રોજ પ્રાદેશિક કમિશ્નરને પ્રથમ અપીલ કરી હતી. જેના અનુસંધાને પ્રથમ અપીલ સત્તાધિકારીએ તા.5-10-2021 ના રોજ 10 દિવસમાં રેકોર્ડ આધારિત માહિતિ વિનામૂલ્યે પુરી પાડવા હુકમ કર્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદનું ઐતિહાસિક ગાર્ડન થયું રિડેવલપ, જાણો કઈ કઈ સુવિધા થશે ઉપલબ્ધ
માહિતિ આપવામાં નિષ્ફળતા બદલ દંડ: પ્રથમ અપિલ સત્તાધિકારીના હુકમ છતા માહિતી ન મળતા અરજદારે તા.20-11-2021ના રોજ માહિતી આયોગમાં દાદ માંગી હતી. જેના અનુસંધાને તા.11-05-2022 ના રોજ આયોગ ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ચીફ ઓફિસરના પ્રતિનિધિ દ્વારા કરેલ રજૂઆત તદ્દન ખોટી છે તેમ આયોગને સ્પષ્ટપણે જણાયું હતું.માહિતી આયોગ ખાતે તા.6-07-2022 ના રોજ વિડીયો કોનફરન્સથી સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં અરજદારને માહિતી આપવામાં નિષ્ફળતા બદલ જાહેર માહિતી અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફીસર સંજય પટેલને જવાબદાર ગણી માહિતી અધિકાર અધિનિયમ મુજબ રૂપિયા 15 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.