ડાકોર : સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે ધામધૂમપૂર્વક ફાગણી પૂનમનો મેળો યોજવા ટેમ્પલ કમિટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળો ધામધૂમથી યોજવામાં આવે છે. જેમાં દેશભરમાંથી લાખો યાત્રીકો પગપાળા ડાકોરના ઠાકોરના દર્શને આવતા હોય છે.
ડાકોરમાં 6 માર્ચથી ત્રિદિવસીય મેળો : સુપ્રસિધ્ધિ યાત્રાધામ ડાકોર ખાતે આગામી 6,7 અને 8 માર્ચના રોજ ત્રિદિવસીય ફાગણી પૂનમનો મેળો યોજવામાં આવનાર છે. જેને લઇ જિલ્લા વહીવટી તંત્ર તેમજ ટેમ્પલ કમિટી દ્વારા સુચારૂ રૂપે શાંતિપૂર્ણ વાતાવરણમાં મેળો યોજાય તે માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો Holi 2023: જાણો હોળી પ્રગટાવવાનું મહત્વ અને તેના શુભ મુહૂર્ત વિશે
ટેમ્પલ કમિટી દ્વારા વિશેષ આયોજન : ડાકોર ફાગણી પૂનમના મેળાના આયોજનને લઈને ટેમ્પલ કમિટીના ડેપ્યુટી મેનેજર રવિન્દ્રભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા યાત્રાળુઓ સરળતાથી દર્શનનો લાભ લઇ શકે તે માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સાતમી તારીખે પૂનમ હોવાથી દર્શન માટે ધસારો વધશે. તેથી પાંચ એલઈડી સ્ક્રિન મારફતે ભાવિકો સરળતાથી દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરાઈ છે. ઉપરાંત પદયાત્રા માર્ગો પર દર્શનના સમયના બોર્ડ તેમજ સુચનાને લગતા બોર્ડ લગાવાયા છે.પત્રિકાઓ પણ બનાવાઈ છે.
વિશાળ સંખ્યામાં પદયાત્રીઓ પહોંચે છે ડાકોર : ડાકોરમાં ફાગણી પૂનમે યોજાતા ત્રિદિવસીય હોળી મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર આવતા હોય છે. ડાકોરને જોડતા માર્ગો પદયાત્રીઓથી અને સેવા કેમ્પોથી ધમધમતા હોય છે ત્યારે હાલ વિવિધ ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ દ્વારા યાત્રીકો માટે ભોજન,પાણી અને ચા નાસ્તાની વ્યવસ્થા માટે સેવા કેન્દ્રો ઊભા કરવાની કામગીરી કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો ડાકોરના ઠાકોરને ભક્ત દ્વારા LED ધજા ચડાવાઈ
આ તૈયારીઓ વચ્ચે વિવિધ કાર્યક્રમો ચાલુ : હોળી પર્વને લઇ અગિયારસે પણ રણછોડરાય મંદિરમાં ભક્તોમાં આનંદની છોળો ઉડી હતી. યાત્રાધામ ડાકોર ખાતે આમલકી અગિયારસ નિમિત્તે રાજાધિરાજ રણછોડ રાયજી મહારાજની વાજતેગાજતે સવારી નીકળી હતી. પરંપરા મુજબ આમલકી અગિયારે ભગવાન ભાવિકો પર અબીલ ગુલાલની છોળો ઉડાડતા નીકળે છે. જે સાથે જ યાત્રાધામમાં પાંચ દિવસીય રંગોત્સવનો પ્રારંભ થાય છે. આ સવારી નિજ મંદિરથી નીકળી લક્ષ્મીજી મંદિરે પહોંચે છે.પરંપરા મુજબ આમલકી અગિયારસે ભગવાન હાથી પર સવાર થઈ ભાવિકો પર અબીલ ગુલાલ ઉડાડતા નીકળે છે. આ સાથે જ પાંચ દિવસીય રંગોત્સવનો પ્રારંભ થતો હોય છે. જોકે આ વર્ષે હાથીના બદલે પાલખી પર ભગવાનની સવારી નીકળી હતી.