ખેડા: જિલ્લાની નગરપાલિકાના હોદ્દેદારો તરફથી નગરપાલિકાના પ્રતિનિધિઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિડિયો કોન્ફરન્સ હોલમાં હાજર રહીને ભાગ લીધો હતો. ખેડા જિલ્લામાં સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અન્વયે આંતર માળખાકીય વિકાસના કામો 2020-21 માટે નડિયાદ નગરપાલિકા માટે રૂપિયા 5 કરોડનો ચેક આપવામાં આવ્યો હતો.
ઉપરાંત, કપડવંજ નગરપાલિકા માટે રૂપિયા 2.25 કરોડ, મહેમદાવાદ નગરપાલિકા માટે રૂપિયા 2.25 કરોડ, ચકલાસી નગરપાલિકા માટે રૂપિયા 2.25 કરોડ, ખેડા નગરપાલિકા માટે રૂપિયા 2.25 કરોડ, ડાકોર નગરપાલિકા માટે રૂપિયા 2.25 કરોડ, કઠલાલ નગરપાલિકા માટે રૂપિયા 1 કરોડ, મહુધા નગરપાલિકા માટે રૂપિયા 1 કરોડ, કણજરી નગરપાલિકા માટે રૂપિયા 1 કરોડ, ઠાસરા નગરપાલિકા માટે રૂપિયા 1 કરોડ મળી રૂપિયા 20.25 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.
જેમાં પ્રથમ હપ્તાની રકમ ઝોનના હવાલે મૂકવાની થતી ગ્રાંટ રૂપિયા 10.125 કરોડની રકમ આપવામાં આવી છે. નડિયાદ નગરપાલિકા તરફથી આ રકમનો ચેક ચીફ ઓફિસર પ્રણવ પારેખ, નગરપાલિકાના ઉપ પ્રમુખ પરીન બ્રહ્મભટ્ટ, કારોબારી ચેરમેન મનીષ દેસાઇએ સ્વીકાર્યો હતો.
આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણ, કલેકટર આઇ.કે.પટેલ, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા તથા ખેડા જિલ્લાની અન્ય નગર પાલિકાના પ્રમુખ, ઉપ-પ્રમુખ, કારોબારી અધ્યક્ષ તથા ચીફ ઓફિસર ઉપસ્થિત રહયા હતા.