ખેડા : મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેકટ ઘણા ખેડૂતો માટે આશીર્વાદરૂપ નીવડી રહ્યો છે. આ પ્રોજેકટ હેઠળ સંપાદિત કરવામાં આવેલી જમીનનું સારું એવું વળતર મળતાં સામાન્ય જમીન આપી હોય એવા ખેડૂતો પણ લખપતિ અને કરોડપતિ બની ગયા છે. ત્યારે આ ખેડૂતો અપેક્ષા કરતાં ઘણું સારૂ વળતર મળતાં ખુશી સાથે રાષ્ટ્રના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં પોતાના યોગદાન બદલ ગર્વ પણ અનુભવી રહ્યા છે.
નાના ખેડૂતો માટે મોટ સહારો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ અનેક ખેડૂતોના સપના સાચા કરતો પ્રોજેકટ નીવડ્યો છે. ખેતીની અનિશ્ચિતતા તેમજ પાણી અને અન્ય તકલીફોને લઈ નાના ખેડૂતો પારાવાર મુસીબતો વેઠતા હોય છે. જે બાદ પણ ઉપજનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો લાચાર અને નાસીપાસ બની જતા હોય છે. ત્યારે આવા ખેડૂતો માટે આ પ્રોજેકટ હેઠળ મળેલું વળતર આશીર્વાદરૂપ નીવડી રહ્યું છે.
પ્રોજેક્ટને પગલે અનેક ખેડૂતોના ભાગ્ય ખુલી ગયા : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સંપાદિત કરાયેલી જમીનોના વળતરથી અનેક ખેડૂતોના નસીબ આડેથી પાંદડું હટી ગયું છે.ખેડૂતોને લાખો અને કરોડોમાં વળતર ચૂકવવામાં આવ્યું છે. એવા પણ ઘણા નાના ખેડૂતો છે જેને ખેતી પર માંડ માંડ ગુજારો થતો હતો. એ લોકોના હવે અચ્છે દિન આવી ગયા છે. પ્રોજેક્ટના વળતરે તેમને આર્થિક સદ્ધરતા આપી છે. આ ખેડૂતો ખુશ છે અને દેશના વિકાસમાં યોગદાન આપી ગર્વ પણ અનુભવી રહ્યા છે.
આ પણ વાંચો Tapi News : તાપીમાં જમીન સંપાદન મુદ્દે કલેકટર કચેરી બહાર ખેડૂતોના ધરણાં
ખેડા જિલ્લામાં કુલ ₹331 કરોડ વળતર ચૂકવાયું : બુલેટ ટ્રેન પ્રોજેકટ હેઠળ ગુજરાતમાં સૌથી પહેલા ખેડા જિલ્લામાં જમીનનું સંપાદન કરવામાં આવ્યું હતું. પ્રોજેકટ હેઠળ કુલ સંપાદિત કરાયેલી જમીન પૈકી ખેડા જિલ્લામાં 802 ખાનગી પ્લોટમાં મળી 110 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી ચૂકી છે. જેના વળતર પેટે જિલ્લામાં કુલ 331 કરોડ રુપિયા ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે.
અપેક્ષા કરતા સારું વળતર : ખેડા જિલ્લાના નડીયાદ પાસે આવેલા પીપલગ ગામના ખેડૂતોની જમીન પણ આ પ્રોજેક્ટ માટે સંપાદિત થઈ છે. પીપલગ ગામના ખેડૂત અને સરપંચ મનીષભાઈ પટેલની જમીન પણ તેમાં સંપાદિત થઈ છે. તેઓ જણાવી રહ્યા છે કે તેમની એક વીઘામાં 11 ગુંઠા જમીનના એક ગુંઠાના રૂ.5.5 લાખ લેખે રૂ.55 લાખ તેમજ તેમના ગોડાઉનના રૂ.60 લાખ વળતર મળી કુલ રૂ.1.15 કરોડ વળતર પેટે મળ્યા છે. જે સારામાં સારું વળતર છે અને તેઓ દિલથી ખુશ છે. વધુમાં તેઓ જણાવે છે કે ખેડૂતોને જે વળતરની અપેક્ષા હતી તેના કરતાં પણ સારું વળતર મળ્યું હોવાનું અમે ખેડૂતો માની રહ્યા છીએ.
આ પણ વાંચો જમીન ગઇ છતાં ખેડૂતો બન્યા રૂપિયાવાળા, સરકારે કરી નાંખ્યું મોટું એલાન
અઢી ગુંઠા જમીનનું 29 લાખ વળતર : પીપલગ ગામના જ એક અન્ય ખેડૂત નીલેશભાઈ પટેલની પણ જમીન બુલેટ ટ્રેન પ્રોજેકટ હેઠળ સંપાદિત થઈ છે. તેઓ જણાવે છે કે તેમની અઢી ગુંઠા જમીન પ્રોજેક્ટમાં સંપાદિત કરવામાં આવી છે. જેનું તેમને રુપિયા 29 લાખ વળતર ચુકવવામાં આવ્યું છે. જે વળતર મળ્યું છે તે બરાબર છે અને અમે ખુશ છીએ. અમારી જમીન દેશના વિકાસના પ્રોજેક્ટમાં કામ આવી તે યોગદાન બદલ અમે ગર્વ મહેસૂસ કરી રહ્યા છે.
ભાડું તેમજ રોજગારીની પણ તકો મળી :ખેડૂતોને સંપાદિત થયેલી જમીનનું વળતર તો મળ્યું જ છે. તે ઉપરાંત આ પ્રોજેકટનું કામ જે કંપની કરી રહી છે તે એલ એન્ડ ટી કંપની દ્વારા ખેડૂતોની જમીન ભાડે લેવામાં આવી છે. જેનું પણ એક વીઘાનું દોઢ લાખ રૂપિયા જેટલું વાર્ષિક ભાડું ચૂકવવામાં આવી રહ્યું છે. જેને લઈ ખેડૂતોને આવક મળી રહી છે. પીપલગ ગામમાં 100 વીઘા જમીન એલ એન્ડ ટી કંપનીને ભાડે આપવામાં આવી છે. સાથે જ સ્થાનિકોને લેબર કામ તેમજ ટ્રક,ગાડી અને ટ્રેક્ટરનું ભાડું પણ મળી રહ્યું છે.
હાલ પ્રોજેક્ટનું કાર્ય પ્રગતિ પર : અમદાવાદ-મુંબઈ વચ્ચે ભારતનો પહેલો હાઈસ્પીડ રેલ પ્રોજેકટ-બુલેટ ટ્રેન પ્રોજેકટનું કાર્ય હાલ ચાલી રહ્યું છે. જે ગુજરાતના આઠ જિલ્લામાંથી કુલ 352 કીમી.પસાર થવાની છે. વર્ષ 2027 સુધી બુલેટ ટ્રેન દોડતી થવાનો અંદાજ છે. ત્યારે બુલેટ ટ્રેન દોડે તે પહેલા જ ખેડૂતોનું નસીબ ખુલી ગયું છે. ખેડૂતો લખપતિ અને કરોડપતિ થઈ ગયા છે.