- પ્રથમ વખત જ ધારાસભ્ય તરીકે ચુંટાયા છે
- જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે નિભાવે છે જવાબદારી
- કોંગ્રેસનો ગઢ ગણાતી મહુધા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાવ્યો
ખેડા- મધ્ય ગુજરાતના ચરોતરના ખેડા અને આણંદ જિલ્લામાંથી એક ધારાસભ્યને રાજ્યના નવા પ્રધાન મંડળમાં પ્રધાનપદ આપવામાં આવ્યું છે. ખેડા જિલ્લાના મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણનો નવા પ્રધાન મંડળમાં સમાવેશ કરાતા કાર્યકરો અને સમર્થકો સહિત જિલ્લાના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
પ્રથમ વખત જ ધારાસભ્ય તરીકે ચુંટાયા છે
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામના 41 વર્ષિય અર્જુનસિહ ચૌહાણ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં પહેલી જ વાર ધારાસભ્ય તરીકે ચુંટાયા છે. તેમણે બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે. ગામમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારનું સંચાલન કરે છે. છેલ્લા વીસ વર્ષથી તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સક્રિય કાર્યકર્તા છે. કુશળ સંગઠક તરીકે તેમની કુનેહને લઈ પક્ષ દ્વારા તેમને 2016-17માં જિલ્લા ભાજપ મહામંત્રી તરીકેની અને 2020-21માં હાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
કોંગ્રેસનો ગઢ ગણાતી મહુધા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાવ્યો
પક્ષના નિષ્ઠાવાન કાર્યકર તરીકે કાર્ય કરતા અર્જુનસિંહ ચૌહાણ કાર્યકરો સહિત લોકોમાં એટલા જ પ્રિય છે. વર્ષોથી પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ ગણાતી ખેડા જિલ્લાની મહુધા તાલુકા પંચાયતમાં અર્જુનસિંહ ચૌહાણના કુશળ નેતૃત્વમાં પ્રથમ વાર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો.
કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી
જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણનો નવા પ્રધાન મંડળમાં સમાવેશ કરાતા પરિવારજનો અને કાર્યકરો સહિત જિલ્લાના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જિલ્લામાં વિવિધ સ્થળોએ ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વહેંચી કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.