- ગેરકાયદેસર બાંધકામ રોકતા સરપંચ પર હુમલો
- સરપંચને માથામાં ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
- પંચાયતની વારંવાર નોટિસ છતાં ગેરકાયદેસર બાંધકામ કરાયું
ખેડાઃ મહુધા તાલુકાના ફીણાવ ગામમાં ગેરકાયદેસર દબાણ બાબતે કહેતા સરપંચ પર પાવડાથી હુમલો કરવામાં આવ્યો હતો. માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા સરપંચને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાબતે મહુધા પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહુધા તાલુકાના ફીણાવ ગામમાં કૌશિકભાઈ પટેલ દ્વારા ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. જેને લઈ ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર દબાણ બાબતે ત્રણ નોટિસ આપવામાં આવી હતી. આ મુદ્દે કૌશિકભાઈ દ્વારા અપશબ્દો બોલી સરપંચ નિમેષભાઈ પટેલને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી.
પંચાયતની વારંવાર નોટિસ છતાં ગેરકાયદેસર બાંધકામ કરાયું
ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરતા ત્રણ નોટિસ આપવામાં આવી હતી. વારંવાર નોટિસ આપવા છતાં ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું. જે કામને સરપંચ નિમેષભાઈ પટેલ દ્વારા અટકાવવામાં આવતા સરપંચ અને કૌશિક પટેલ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન રોષે ભરાયેલા કૌશિક પટેલે ઉશ્કેરાય સરપંચ નિમેષભાઈ પર હુમલો કરી માથાના ભાગે પાવડો મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. સરપંચને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મહુધા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.